જય શિવ શંભુ
શ્રાવણના છેલ્લા સોમવારની સાથે આજે આપણો છેલ્લો આર્ટિકલ. આમ તો એમ વિચારેલુ કે દર સોમવારે એક વાર્તા મૂકીશ પણ ઈચ્છા છે કે આજે મહાદેવનો એક મેસેજ મોકલું. જો થઈ શકે તો સ્વીકારી લેજો. મહાદેવ પ્રસન્ન થશે.
મહાદેવ એવા દેવ છે જેનો કોઈ મહિમા નથી તેમ છતાંય તેના મહિમાનો પાર નથી. આ લખવાનું કારણ એ કે આપણામાં એટલી તાકાત જ નથી કે મહાદેવનો મહિમા લખી શકીએ.
અસિતગિરિસમં સ્યાતકજ્જલં સિન્ધુપાત્રે, સુરતરુવરશાખા લેખની પત્રમુર્વી,
લિખતિ યદી ગૃહીત્વાં શારદા સર્વકાલં, તદપિ તવ ગુણનામીશ પારં ન યાતિ
પુષ્પદંત નામના ગંધર્વ રચિત શિવમહિમ્ન સ્તોત્રના આ શ્લોકમાં જણાવ્યા અનુસાર જો નીલાંચલ પર્વતને સમુદ્રમાં ઘોળીને તેની સ્યાહી બનાવવામાં આવે, દેવતાઓના ઊદ્યાનના વૃક્ષોની શાખાઓની કલમ બનાવવામાં આવે અને પૃથ્વીને કાગળ બનાવીને જો સ્વયં ભગવતી સરસ્વતી અનંતકાળ સુધી લખતી રહે તો પણ તમારા ગુણોનો પાર આવે એમ નથી.
એક વાર કૈલાસ પર તમામ સમુદાય – ઈશાન, તત્પુરુષ, મલેચ્છ, ચાંડાળ અને અઘોર સમુદાયના લોકો મહાદેવની ભક્તિ કરવા એક સાથે ભેગા થયા. હવે એ તમામ લોકોમાં એક ચર્ચા જાગી કે કોની ભક્તિ સૌથી શ્રેષ્ઠ… ઈશાન સમુદાય હંમેશા સાત્વિક રીતે મહાદેવની ભક્તિ કરે એટલે કે ફક્ત દૂધ, જળ અને બિલ્વપત્ર, તત્પુરુષ સમુદાય રાજસી પૂજા કરે એટલે કે ભાંગ, શ્રૃંગાર ઈત્યાદિ, મલેચ્છ જાતિના લોકો તામસી પૂજા કરે એટલે કે તેઓ મહાદેવના રૂદ્ર સ્વરૂપને પૂજે અને અમુક વિધિ વિધાનમાં માંસ અને મદિરાનો ભોગ પણ ચડાવે. ચાંડાળો સ્મશાનમાં રહીને પૂજે અને અઘોરીએ શરીરે ભસ્મ લગાવીને અને સાધના કરીને પૂજે. ધીમે ધીમે તેમની આ ચર્ચા એટલી ઉગ્ર બની કે તેઓ અંદરોઅંદર આવીને ઝઘડવા લાગ્યા. એ સમયે મહાદેવ ત્યા પ્રગટ થાય છે અને એ તમામ સમુદાયના લોકો તેમને પોતાની સમસ્યાનું નિવારણ કરવા કહે છે. ત્યારે મહાદેવ તેમને પોતાની દિવ્ય દ્રષ્ટિથી પૃથ્વી પર પૂજા કરી રહેલા એક બાળકનું દ્રશ્ય બતાવે છે. એ લગભગ દસેક વર્ષનું બાળક માટીનું લિંગ બનાવીને ઘરમાં બિલિનું ઝાડ હોવા છતાં આજુ બાજુ રહેલા અને નીચે પડેલા પાંદડા તેના પર ચડાવીને પૂજા કરી રહ્યું હતું. પ્રસાદમાં પોતાની માએ આપેલો રોટલાનો ટુકડો તે પ્રસાદમાં ચડાવી રહ્યો હતો, જેના પર કીડીઓ ચડી રહી હતી અને તે એ રોટલા અને લિંગ સામે જોઈને કઈંક વિચારી રહ્યો હતો. મહાદેવે જ્યારે એ પૂજાને સર્વશ્રેષ્ઠ બતાવી ત્યારે સૌને અચરજ થયું
મહાદેવે સમજાવતા કહ્યું કે એ બાળકને ફક્ત એટલી ખબર છે કે એ માટીનું લિંગ છે પણ એમાં હું છું કે નહી એ જાણ ન હોવા છતા એ મને પૂજે છે. પર્યાવરણને હાનિ ન પહોંચે એ માટે નીચે પડેલા પાન ચડાવી રહ્યો છે. એની મા એ રોટલો તેને ખાવા આપ્યો હોવા છતા એણે મારી સામે મૂક્યો, જેથી આજુ બાજુ ફરતી કીડીઓ કે અન્ય જીવો તેને ખાઈ શકે. હવે તમે જ મને કહો શુ તમારી ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે કે કેમ….
જ્યાં સુધી તમારી આજુબાજુના જગતનું કોઈ પણ પ્રાણી ભૂખ્યું છે ત્યાં સુધી શિવ જમ્યો નથી. જ્યાં સુધી તમારી આસપાસ કોઈ તરસ્યું છે ત્યાં સુધી શિવ જળ પીતો નથી. જ્યાં સુધી કોઈ ગરીબ કે જરૂરિયાતમંદના શરીર પર કપડું નથી ત્યાં સુધી હું શ્રૃંગાર ગ્રહણ કરતો નથી અને જ્યાં સુધી કોઈ બીમારને દવા નથી મળતી ત્યાં સુધી હું ભસ્મ સ્વીકારતો નથી. જ્યાં સુધી મારા બાળકો પીડામાં હોય ત્યાં સુધી હું કેવી રીતે પ્રસન્ન હોઈ શકું. મને સાચી રીતે પ્રસન્ન કરવાની ફક્ત એક જ રીત છે અને એ છે માનવતા. કોઈને જમાડવું એ શિવને ભોગ ધરાવવા બરાબર છે. કોઈને પાણી પીવડાવવું એ શિવને ભાંગ પીવડાવવા બરાબર છે. કોઈને વસ્ત્ર આપવા એ મને શ્રૃંગાર કરવા બરાબર છે. કોઈને દવા કરાવવી એ મને ભસ્મ ચડાવવા બરાબર છું. મારી સાચી પ્રસન્નતા કોઈની મદદમાં છે, નહિ કે ભૌતિક પાખંડ કે આડંબરમાં. હું એમ નથી કહેતો કે તમે વૈદિક રીતે પૂજા ન કરશો. એ પણ એટલું જ જરૂરી છે જેટલું જીવન માટે શ્વાસ લેવું પણ એથી પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યાં સુધી મારા જીવંત સ્વરૂપ એટલે કે આ દુનિયાના તમામ જરૂરિયાતમંદ જીવોને સંતોષ નહિ થાય ત્યાં સુધી મારા અમૂર્ત સ્વરૂપને પણ સંતોષ નહિ થાય.
હર હર મહાદેવ….
(નોંધ – આ આર્ટિકલ થકી કોઈની ધાર્મિક લાગણીને દુભાવવાનો મારો કોઈ પ્રયાસ નથી. ફક્ત માનવતાની દિશામાં એક નાનકડું પગલું ભરવાનો મારો પ્રયાસ છે. શિવાજ્ઞા વિરુદ્ધ કઈં લખાઈ ગયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્.)