अकाल मृत्यु वो मरे, जो कर्म करे चांडाल का,
काल भी उसका क्या करे, जो भक्त हो महाकाल का ||
હર મહાદેવ મિત્રો,
નાનપણથી આપણે આ લોકોક્તિ સાંભળતા આવ્યા છીએ કે જે મહાકાલનો ભક્ત હોય તેનું કાળ પણ કાંઈ બગાડી શકે નહી અને એટલે જ કળિયુગમાં બારેય જ્યોતિર્લિંગો પૈકી ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનો મહિમા અનેરો છે. તો ચાલો જાણીએ આજે મહાદેવના મહાકાલ બનવાની વાર્તા. આ વાર્તા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની તો નથી પણ મહાદેવ અને તેમના એક એવા ભક્તની છે, જેને લીધે આજે પણ લોકો તેમના રચેલા મૃત્યુનો જાપ કરીને મૃત્યુ પર વિજય પામે છે. કળિયુગમાં અમરત્વ કે મૃત્યુ પર વિજ્ય તો શક્ય નથી પણ શ્રદ્ધા હોય ત્યા પુરાવાની જરૂર નથી હોતી. જો કોઈ વ્યક્તિનો અકસ્માત થયો હોય અથવા તે મરવાની કગાર પર હોય તો આજે પણ એ મંત્ર કારગર સાબિત થાય છે. એ મંત્ર છે મહામૃત્યુંજય મહામંત્ર અને જેના રચિયતા છે માર્કંડેય મુનિ.
ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિવ પુષ્ટિંવર્ધનમ્,
ઊર્વારુક્મિવબંધનાન્, મૃત્યુર્મોક્ષીયમામૃતાત્. (વેદોક્ત)
ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ્ શરણાગતમ્,
જન્મ મૃત્યુ જરા વ્યાધિ, પીડા કર્મબંધનૈવ. (શાસ્ત્રોક્ત)
ઋષિ મૃકંદુ મહાદેવના પરમ ઉપાસક હતા. તેમની ઉપાસનાથી પ્રસન્ન થઈને મહાદેવે તેમને વરદાન માંગવા કહ્યું. ત્યારે તેઓ મહાદેવ પાસે પુત્રપ્રાપ્તિનું વરદાન માંગે છે. મહાદેવ તેમને જણાવે છે કે તેમના નસીબમાં પુત્રસુખ નથી તેમ છતા મારી ઉપાસના કરવાને લીધે હું તમને એક પુત્રનું વરદાન આપું છું પરંતુ તે અલ્પાયુ હશે. તેના જન્મના બરાબર સોળમા વર્ષે તેનું મૃત્યુ થશે. એ શરતની સાથે મહાદેવ તથાસ્તુ કહીને અદ્રશ્ય થઈ જાય છે.
સમયની સાથે ઋષિ મૃકંદુને ત્યા એક પુત્ર અવતરે છે જેને તેઓ માર્કંડ નામ આપે છે. થોડો મોટો થતાની સાથે જ તેમને ગુરુકુળમાં મોકલી દેવામાં આવે છે. આશ્રમનો અભ્યાસ પૂરો કરીને જ્યારે તેઓ પરત આવે છે ત્યારે તેમના માતા પિતા ઉદાસ થઈને બેઠા હોય છે. ઋષિ માર્કંડેય તેમના પિતાને વારંવાર પૂછે છે ત્યારે તેમને સાચી હકીકતની જાણ થાય છે અને પછી શરૂ થાય છે તેમની શિવોપાસના. સળંગ એક વર્ષની શિવોપાસના પૂરી થાય છે અને જ્યાં તેમનું આયુષ્ય પૂરું થાય છે કે તરત યમરાજ તેમને લેવા આવે છે. એક વર્ષની શિવોપાસનામાં ઋષિ માર્કંડેય મૃત્યુંજય મંત્રના જાપ થકી તેને સાધી લે છે અને જ્યારે યમરાજ તેમના પર પાશ ફેંકે છે ત્યારે તેઓ સામે રહેલા શિવલિંગને ભેટી પડે છે. બરાબર એ જ સમયે તેમના મહામૃત્યુંજય મંત્રનું અનુષ્ઠાન પૂરું થતા મહાદેવ પ્રગટ થાય છે અને કાળપાશમાંથી તેમને છોડાવીને દીર્ઘાયુ થવાનું વરદાન આપે છે.
તો આવા છે મારા મહાદેવ….
સોમવાર (શ્રાવણિયા ખાસ) અને સોમવતી અમાસે કરેલા મૃત્યુંજયમંત્રના જાપ ખરેખર અસરકારક નીવડે છે.
નોંધ – લોકવાયકા અનુસાર વેદોક્ત મંત્રજાપ ફક્ત બ્રાહ્મણ જ કરી શકે છે, કોઈ સામાન્ય માણસ નહી પરંતુ હું અંગત રીતે એ વાયકા સાથે સહમત નથી કારણ કે મને નથી લાગતું કે સ્મશાનવાસી અને અઘોરીઓ તથા ચાંડાળોની સાથે રહેનારા મહાદેવ એમના ભક્તો પાસે કોઈ ધર્મ કે વર્ણની હિમાયત કરે.
- આદિત શાહ