મહારાષ્ટ્રના સૌથી અમીર અને દેશ-દુનિયામાં પ્રસિદ્ધ શિરડીના સાંઈ બાબા મંદિર ટ્ર્સ્ટ હવે ભક્તો દ્વારા દાનમાં અપાતા સિક્કાથી પરેશાન છે. સ્થિતી એવી થઈ ગઈ છે કે, હવે બેન્કોએ આ સિક્કા લેવાની ના પાડી દીધી છે. તેમનું કહેવું છે કે, હવે આટલા સિક્કા રાખવા માટે તેમની બેન્કમાં જગ્યા નથી. શિરડી મંદિર પાસે સાડા ત્રણ કરોડથી ચાર કરોડ રૂપિયાના સિક્કા છે. જેને લેવા માટે બેન્ક આનાકાની કરી રહી છે. તો વળી મંદિર ન્યાસની નજીક તેને રાખવા માટે જગ્યા ઓછી પડી રહી છે. આપને જણાવી દઈએ કે, શિરડી મંદિર, શહેરની તેર રાષ્ટ્રીયકૃત બેન્કમાં પૈસા જમા કરાવે છે. મંદિરના કાર્યકારી સીઈઓ જાધવના જણાવ્યા અનુસાર મંદિરમાં આવતા ભક્તો પોતાની શ્રદ્ધાના હિસાબે સાંઈ બાબાને ચડાવો ચઢાવે છે. જેનું અઠવાડીયામાં બે વાર કાઉન્ટીંગ થાય છે. આ ચડાવામાં મોટી સંખ્યામાં સિક્કા ચડાવે છે. જે હવે શિરડી મંદિર અને બેન્ક માટે મુસીબતનું કારણ બની ગયું છે. હાલમાં બેન્કમાં ૧૧ કરોડ રૂપિયાના સિક્કા જમા છે, પણ હવે સિક્કા જમા કરવા માટે બેન્કે હાથ ઊંચા કરી દીધા છે. જે બિલ્ડીંગમાં આ બેન્ક છે, ત્યાંના અન્ય વેપારીઓ ડરેલા છે. તેમને લાગે છે કે, સિક્કાના વજનથી બિલ્ડીંગનો ભાગ પડી ન જાય. ત્યારે હવે આ સિક્કાનું શુ કરવું તે સૌથી મોટો સવાલ છે.
શિરડી મંદિર ટ્રસ્ટનું માનીએ તો, બેન્ક તરફથી એ જવાબ આપવામાં આવી રહ્યો છે કે, ગ્રાહકો આ સિક્કા લેવા માટે આનાકાની કરે છે. ત્યારે આ સિક્કાને રાખીને બેન્કમાં જગ્યાનો તૂટો પડે છે. તો વળી મંદિર ટ્રસ્ટ હાલ સમસ્યાના નિવારણ માટે શહેરમાં આવેલી અન્ય બેન્કમાં ખાતા ખોલવાની તૈયારી કરી રહ્યું છે. જેથી આ પૈસાને બેન્કમાં રાખી શકાય. તો વળી મંદિર ટ્રસ્ટે આરબીઆઈને પણ ભલામણ કરી છે કે, તે આ સિક્કા માટે કોઈ રસ્તો કાઢે. એવું પણ કહેવાય છે કે, ઓનલાઈન પેમેન્ટથી મંદિર ટ્રસ્ટને થોડી રાહત થઈ છે. તેમ છતાં પણ સિક્કાની માથાકૂટ ઊભેલી છે.