બેગુસરાઈ : બિહારના ચર્ચાસ્પદ મુજફ્ફરપુર શેલ્ટર હોમ કેસ મામલામાં ફરાર ચાલી રહેલા પૂર્વ પ્રધાન મંજુ વર્માની સંપત્તિ જપ્ત કરવાના આદેશ બાદ આજે પોલીસ ટુકડી મંત્રીના આવાસ ઉપર પહોંચી હતી. બેગુસરાઈ સ્થિત તેમના આવાસની બહાર સંપત્તિ જપ્ત કરવા સાથે સંબંધિત નોટિસ મુકી દેવામાં આવી છે. મંજાલ કોર્ટના આદેશ બાદ આ પગલું લેવામાં આવ્યું છે. સુપ્રિમ કોર્ટે બિહાર પોલીસને ફટકાર લગાવીને કહ્યું છે કે રાજ્યના ડીજીપીને રજુ થવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આ મામલાની વધુ સુનાવણી હવે ૨૭મી નવેમ્બરના દિવસે હાથ ધરવામાં આવનાર છે.
અત્રે નોંધનિય છે કે આ મામલામાં નીતિશ કુમાર સરકાર ઉપર તીવ્ર દબાણ લાવવામાં આવ્યા બાદ મંજુ વર્માને કેબિનેટમાંથી બહાર કરવામાં આવ્યા હતા. હવે તેમને પાર્ટીમાંથી પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બિહારના ચર્ચાસ્પદ મુજફ્ફરપુર શેલટર હોમરેપ કેસના મુખ્ય આરોપી બ્રજેશ ઠાકોરને પૂર્વ સામાજિક કલ્યાણ મંત્રી મંજુ વર્માના નજીકી તરીકે ગણવામાં આવે છે. આ કાંડને લઈને મંજુ વર્માને બિહારમાં નીતિશ કુમાર કેબિનેટમાંથી રાજીનામું આપી દેવાની ફરજ પડી હતી. મુજફ્ફરપુર શેલટર હોમમાં અનેક યુવતીઓ સાથે કથિત રીતે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ટાટા ઈન્સ્ટીટ્યુટ ઓફ સોશિયલ સાયન્સ દ્વારા રાજ્યના સમાજ કલ્યાણ વિભાગને સોંપવામાં આવેલા ઓડિટ રિપોર્ટમાં આ મામલો સપાટી ઉપર આવ્યો છે. શેલટર હોમ કાંડના સંબંધમાં સીબીઆઈએ ૧૭મી ઓગસ્ટના દિવસે મંજુ વર્માના બેગુસરાઈ જિલ્લા સ્થિત આવાસ પર દરોડા પાડ્યા હતા. આ દરોડાની કાર્યવાહી દરમિયાન તેમના આવાસમાંથી મોટી માત્રામાં ગેરકાનૂની હથિયારો જપ્ત કરાયા હતા.
હથિયારોની સાથે સાથે ૫૦થી વધુ કારતૂસ જપ્ત કરાયા હતા. મંજુ વર્મા અને તેમના પતિ ચંદ્રશેખર વર્માની સામે ચેરીયા બરીયાપુર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારથી જ મંજુ વર્મા અંગે કોઈ માહિતી મળી રહી નથી. મંજુ વર્માની કોઈ ભાળ મળી રહી નથી ત્યારે આ કેસમાં પણ ઉંડી તપાસ ચાલી રહી છે. ૩૧મી ઓકટોબરના દિવસે નીચલી અદાલતે મંજુ વર્માની સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. મંજુ વર્માના પતિ ચંદ્રશેખર વર્માએે ૨૯મી ઓકટોબરના દિવસે કોર્ટમાં શરણાગતિ સ્વીકારી લીધી હતી પરંતુ પૂર્વ મંત્રી મંજુ વર્મા હજુ પણ ફરાર છે. મુજફ્ફરપુર શેલટર હોમ કેસને લઈને દેશભરમાં સનસનાટી મચી ગઈ હતી. આમાં અનેક બાળકીઓ સાથે બળાત્કાર ગુજારવાનો મામલો સપાટી પર આવ્યો હતો. કેટલીક યુવતીઓએ આ અંગે ઘટસ્ફોટ પણ કર્યો હતો.