પટણા : બિહારના મુજફ્ફરપુર સેલ્ટર હોમકાંડમાં મુખ્યમંત્ર નીતિશકુમાર પણ તપાસના ઘેરામાં આવી ગયા છે. મામલામાં દેખરેખ કરી રહેલી ખાસ પોક્સો કોર્ટે સીબીઆઈને મુજફ્ફરપુર સેલ્ટર હોમ મામલામાં નીતિશકુમારની સામે તપાસના આદેશ કર્યા છે. નીતિશકુમાર સામે તપાસના આદેશથી સમગ્ર મામલામાં નવો વળાંક આવી ગયો છે. મામલાના ધરપકડ કરાયેલા આરોપી અશ્વિનીએ પોતાના વકીલ મારફતે સેલ્ટર હોમના સંચાલનમાં મુખ્યમંત્રી નીતિશકુમારની ભૂમિકા માટે અરજી દાખલ કરી હતી. અશ્વિનીને ગયા વર્ષે નવેમ્બર મહિનામાં પકડી લેવામાં આવ્યો હતો.
અશ્વિની પર સગીર યુવતીઓને ડ્રગ્સના ઈન્જેકશન આપવાનો આક્ષેપ છે. અશ્વિનીએ પોતાની અરજીમાં આક્ષેપ કરતા કહ્યું છે કે સીબીઆઈ તથ્યોને દબાવવાના પ્રયાસ કર રહી છે. જેમાં મુજફ્ફરપુરના પૂર્વ ડીએમ ધર્મેન્દ્રસિંહ, વરિષ્ઠ આઈએએસ અધિકારી અતુલ કુમાર અને મુખ્યમંત્રી નીતિશકુમારની ભૂમિકામાં તપાસ કરવામાં આવનાર હતી. પોક્સો જજ મનોજકુમારે સીબીઆઈને ત્રણેયની સામે તપાસ કરવાના આદેશ કર્યા છે. સાતમી ફેબ્રુઆરીના દિવસે મામલાને મુજફ્ફપુર કોર્ટથી દિલ્હીની ખાસ પોક્સો કોર્ટમાં ખસેડવામાં આવ્યો હતો. આગામી સપ્તાહમાં મામલાની સુનાવણી થાય તેવી શક્યતા છે.
મુંબઈ સ્થિત ટાટા ઈન્સ્ટીટ્યુટ ઓફ સોશિયલ સાયન્સ દ્વારા કરવામાં આવેલા સામાજિક નિરીક્ષણ રીપોર્ટમાં મુજફ્ફરપુર સ્થિત બાળગૃહમાં બાળકીઓ સાથે શોષણનો મામલો જુન ૨૦૧૮માં સપાટી પર આવ્યો હતો. મામલો સપાટી પર આવ્યા બાદ રાજકીય દબાણ વધ્યું હતું. ત્યારબાદ ૨૬મી જુલાઈ ૨૦૧૮ના દિવસે રાજ્ય સરકારે મામલાની તપાસ સીબીઆઈને સોંપી દેવાનો આદેશ કર્યો હતો.