નવીદિલ્હી : મુઝફ્ફરપુર શેલ્ટર હોમ સાથે સંબંધિત સુપ્રીમ કોર્ટના તિરસ્કારના મામલામાં સીબીઆઈના પૂર્વ વચગાળાના નિર્દેશક નાગેશ્વર રાવની બિનશરતી માફીને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી હતી અને તેમને સજા કરી હતી. પૂર્વ વચગાળાના સીબીઆઈ નિર્દેશક નાગેશ્વર રાવને સુપ્રીમ કોર્ટે કોર્ટ રુમથી બહાર જવાની મંજુરી આપી દીધી હતી. દિવસભર કોર્ટમાં બેસાડવામાં આવ્યા બાદ સાંજે મંજરી આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરીને રાવ પર એક લાખ રૂપિયાનો દંડ લાગૂ કર્યો હતો. સાથે સાથે આદેશ કર્યો હતો કે, જ્યાં સુધી કોર્ટની કાર્યવાહી ચાલશે ત્યાં સુધી તેમને પાછળ બેઠા રહેવું પડશે. સપ્રીમ કોર્ટે અગાઉ કહ્યું હતું કે, મઝફ્ફરપુર શેલ્ટર હોમ મામલાની સીબીઆઈ તપાસમાં સુપ્રીમ કોર્ટની મંજુરી વગર કોઇપણ તપાસ ટીમમાં સામેલ કોઇપણ અધિકારીની બદલી કરી શકાશે નહીં. ત્યારબાદ નાગેશ્વર રાવે તપાસ ટીમના ચીફ સીબીઆઈ અધિકારી એકે શર્માની ૧૭મી જાન્યુઆરીના દિવસે સીબીઆઈથી સીઆરપીએફમાં બદલી કરી હતી.
ત્યારબાદ સીબીઆઈના પૂર્વ વચગાળાના નિર્દેશક નાગેશ્વર રાવે બિનશરતી સુપ્રીમ કોર્ટ પાસેથી માફી માંગી હતી. સોમવારના દિવસે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી પણ રજૂ કરવામાં આવી હતી. આજે સુનાવણીના સમયે એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું હતું કે, રાવ પોતાની ભુલ સ્વીકાર કરી રહ્યા છે પરંતુ તેઓએ આ જાણી જાઇને ભુલ કરી ન હતી. અજાણતે આ તમામ બાબત થઇ હતી. આના પર ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, આરોપીને બચાવી લેવાના પ્રયાસ થઇ રહ્યા છે. કેકે વેણુગોપાલની દલીલ પર ચીફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, રાવને સુપ્રીમ કોર્ટના જુના આદેશ અંગે માહિતી હતી. આજ કારણસર મામલાને લઇને તેમની પાસે માહિતી આવી હતી. લિગલ એડવાઈઝરે કહ્યું હતું કે, એકે શર્માની બદલી કરતા પહેલા સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને મંજુરી માંગવાની જરૂર હતી પરંતુ આવી મંજુરી માંગવામાં આવી ન હતી.
એટર્ની જનરલે આના જવાબમાં કહ્યું હતું કે, રાવે ભુલ સ્વીકારી લીધી છે અને માફી માંગી લીધી છે. આના ઉપર સીજેઆઈએ કહ્યું હતું કે, સંતુષ્ટ થયા વિના અને કોર્ટને પુછ્યા વગર અધિકારીના રિલિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરવાની બાબત તિરસ્કાર સમાન છે. સુનાવણી વેળા સીજેઆઈએ કહ્યું હતું કે, નાગેશ્વર રાવે આરકે શર્માને તપાસથ દૂર કરવાનો નિર્ણય લીધા બાદ સુપ્રીમ કોર્ટને જાણ કરવાના પ્રયાસ પણ કર્યા ન હતા. તેમનું વલણ એવું હતું કે, તેમનું જે કરવાનું હતું તે કરી દીધું છે. આના ઉપર વેણુગોપાલે કહ્યું હતું કે, નાગેશ્વર રાવને માફ કરવામાં આવે તે જરૂરી છે. આના પર ચીફ જસ્ટિસે માફ કરવાનો ઇન્કાર કર્યો હતો અને તેમને તિરસ્કાર માટે દોષિત ઠેરવ્યા હતા અને આજે દિવસ દરમિયાન કોર્ટમાં પાછળ બેસવા માટે આદેશ કર્યો હતો.