ઓસાકા : અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની પ્રમુખ શી ઝિનપિંગ વચ્ચે શિખર બેઠક થઈ છે. આ બેઠકમાં બંન્ને દેશો વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરનો અંત લાવવાના મુદ્દા પર સહમતી થઈ છે. આ સહમતિને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. જાપાનના લોકપ્રિય શહેર ઓસાકામાં થયેલી જી-૨૦ની શિખર બેઠકમાં ભાગલેવા માટે પહોંચેલા બંન્ને પ્રમુખો વચ્ચે મહત્વપૂર્ણ મંત્રણા થઈ હતી. આ બેઠકમાં બંન્ને નેતાઓ ટ્રેડ વોર પર વિરામ લગાવવા સહમત થયા છે. એમ માનવામાં આવે છે કે, આજે ડોનાલ્ડ ટ્રમ્પે ખુબ શાનદાર અને સાનુકુળ માહોલમાં ઝિનપિંગ સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી ખાતરી આપવામાં આવી હતી કે, તે ચીનની વધુ વસ્તુઓ પર નવા ટેરિફ લાગુ કરશે નહીં.
આની સાથે જ લાંબા સમયથી ચાલતા વિવાદનો ઉકેલ આવી ગયો છે.ટ્રેડ વોરના કારણે બંન્ને દેશોની અર્થવ્યવસ્થાને નુકસાન થઈ રહ્યુ હતું. ટ્રેડ વોર પર અંકુશ મુકવા માટેના પ્રયાસો ધણા સમયથી ચાલી રહ્યા હતા. પરંતુ બંન્ને દેશો પોત પોતાના વલણ ઉપર મુક્કમ બનેલા હતા. દુનિયાભરની નજરો આ બાબત ઉપર કેન્દ્રિત હતી કે, વાતચીતમાં ટ્રેડ વોરનો અંત લાવવા કોઈ સહમતિ થશે કે કેમ. વાતચીત બાદ ટ્રમ્પે કહ્યું હતું કે, ખુબ સફળ વાતચીત થઈ છે. ટ્રમ્પે કોઈ પણ પ્રકારની સમજુતિના સંદર્ભમાં જાહેરાત કરી ન હતી પરંતુ કહ્યું હતું કે, અમે યોગ્ય ટ્રેડ પર આગળ વધી રહ્યા છે. બંન્ને પક્ષ આ મામલા પર સત્તાવાળ નિવેદન જારી કરશે.
બીજી બાજુ ચીનની સરકારી મિડિયામા જણાવવામાં આવ્યું છે કે, વોશિંગટને ચીનની નિકાસ પર નવા ટેરિફ લાગુ નહીં કરવાની વાત કરી છે. બંન્ને પક્ષો વેપાર અને આર્થિક મામલો પર વાતચીત કરવા માટે સહમત થયા છે. જી-૨૦ની બેઠકમાં બંન્ને નેતાઓની વાતચીત ખુબ ફળદાયી રહી છે. બંન્ને દેશોની વચ્ચે જારી ટ્રેડ વોરને લઈને હજુ કેટલાક સંકેટો રહેલા છે. પરંતુ સમસ્યાનો ઉકેલ ધીમી ગતિએ આવશે. અમેરિકા અને ચીન વાતચીતને ફરી શરૂ કરવા રાજી થયા છે. વોશિંગટન ચીની નિકાસ પર નવા ટેરિફ લાગુ કરશે નહીં. વિશ્વની બે સૌથી મોટી આર્થિક સત્તાઓ વચ્ચે ટ્રેડ વોરને લઈને છેલ્લા ઘણા સમયથી જટિલ સ્થિતિ સર્જાયેલી હતી.
આ વાતચીત દરમિયાન હુવાવેને લઈને પણ વાતચીત થઈ હતી. આ કંપનીને વેપારીની મંજુરી મળી ગઈ છે. બંન્ને નેતાઓએ વેપાર મંત્રણા ફરી શરૂ કરવા સહમતિ દર્શાવવાની સાથે સાથે ચીની કંપની હુવાવેની સાથે વેપાર શરૂ કરવાના મુદ્દે પણ સહમતિ દર્શાવી છે. ટ્રમ્પનુ કહેવુ છે કે, અમેરિકી કંપનીઓને હાઈટ્રેક સાધનો ચીની કંપની હુવાવે ટેકનોલોજીને વેચવાની મંજુરી આપશે. ચીન પણ અમેરિકી ફાર્મ પ્રોડક્ટને મોટા પાયે ખરીદવાની શરૂઆત કરશે. જી-૨૦ શિખર બેઠકમાં આજે ૮૦ મિનિટ સુધી તેમની વચ્ચે વાતચીત થઈ હતી. શીની સાથે ખુબ જ ઉત્સુક્તા પૂર્વકની બેઠક બાદ ટ્રમ્પે કહ્યું હતું કે, ચીનની સાથે વેપાર કારોબાર ફરી શરૂ થયો છે. શીએ કહ્યું હતું કે, તેઓ અને ટ્રમ્પે હાલમાં અનેક વખત ફોન અને મેલના માધ્યામથી સંપર્ક કર્યો છે.