નવી દિલ્હી : છેલ્લા કેટલાક સમયથી ભાજપથી નારાજ ચાલી રહેલા બળવાખોર નેતા શત્રુઘ્ન સિંહા આજે વિધિવતરીતે ભાજપની સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં સામેલ થઇ ગયા હતા. આની સાથે જ તેમને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના ટોપ નેતાઓની સામે તેઓ આડેધડ નિવેદન કરી રહ્યા હતા.
સાથે સાથે વિપક્ષી છાવણીમાં પણ નજરે પડી રહ્યા હતા. શત્રુધ્ન સિંહા વિપક્ષ દ્વારા આયોજિત તમામ કાર્યક્રમમાં દેખાયા હતા. જેંમાં મમતા બેનર્જી દ્વારા આયોજત કાર્યક્રમનો સમાવેશ થાય છે. તેઓ ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલના કાર્યક્રમમાં પણ પહોચી ગયા હતા. શત્રુઘ્ન સિંહા ભાજપ સાથે છેલ્લા કેટલાક સમયથી નારાજ હતા.
યશવંતસિંહા અને અરૂણ શૌરીની સાથે તેઓ ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરી રહ્યા હતા. લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત કરવામાં આવ્યા બાદ શત્રુઘ્ન સિંહાને ટિકિટ ન મળતા એવી શક્યતા વધી ગઇ હતી કે તેઓ ભાજપ સાથે છેડો ફાડી લેશે. થોડાક દિવસ પહેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની સાથે પણ તેઓ દેખાયા હતા. ચૂંટણી માટે તખ્તો ગોઠવાઇ ગયો છે ત્યારે હવે શત્રુઘ્ન સિંહા પણ કોંગ્રેસ છાવણીમાં નજરે પડી રહ્યા છે. આજે કોંગ્રેસમાં સામેલ થયા ત્યારે તેઓ રણદીપ સુરજેવાલાની સાથે પ્રેસમાં દેખાયા હતા.