પટણા : દેશની સ્વતંત્રતા અને પ્રગતિમાં મોહંમદ અલી ઝીણાનું પણ યોગદાન રહેલું છે તેમ કહીને ચારેબાજુ વિવાદમાં ફસાયેલા શત્રુઘ્ન સિંહાએ આ મામલામાં આખરે ખુલાસો કર્યો છે. ભાજપમાંથી બળવો કરીને કોંગ્રેસમાં સામેલ થયેલા શત્રુઘ્ન સિંહાએ ઝીણાના નામને લઈને હોબાળો થયા બાદ હવે કહ્યું છે કે તેમની જીભ લપસી જતા આ પ્રકારનું નિવેદન થયું હતું. ઝીણાનું નામ લેવામાં આવ્યા બાદ ભાજપ પ્રમુખ અમિત શાહ, સાંસદ મનોજ તિવારીએ શત્રુઘ્ન સિંહા ઉપર પ્રહારો કર્યા છે. કોંગ્રેસની ટિકિટ પર પટણાસાહિબમાંથી ચુંટણી મેદાનમાં ઉતરેલા શત્રુઘ્નએ કહ્યું હતું કે તેઓએ જે કઈપણ કહ્યું હતું તે જીભ લપસી જવાના કારણે થયું હતું. તેઓ એ વખતે મૌલાના આઝાદનું નામ લેવા ઈચ્છુક હતા પરંતુ તેમના મુખથી મોહંમદ અલી ઝીણાનું નામ નીકળી ગયું હતું. તેઓ પોતે પણ આશ્ચર્યચકિત છે.
જોકે આમાં કોઈ મોટી ભુલ કરી નથી જેથી માફી માંગવાનો પ્રશ્ન થતો નથી. તેઓ વડાપ્રધાનની જેમ મુદ્દાઓને ભટકાવવા માંગતા નથી. મોદીએ કહ્યું હતું કે ૬૦૦ કરોડ લોકોને રોજગારી આપી છે. આવી વાત કરી ત્યારે તેમને કોઈએ પ્રશ્ન કર્યો ન હતો. છત્તીસગઢમાં છીંદવાડામાં ચુંટણી જનસભા દરમિયાન શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી પરિવાર મહાત્મા ગાંધીથી લઈને સરદાર વલ્લભભાઈ પટેલથી લઈને મોહંમદ અલી ઝીણા, જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી અને રાહુલ ગાંધીથી લઈને નેતાજી સુભાષચંદ્ર બોઝની પાર્ટી છે. આપાર્ટીએ દેશની પ્રગતિમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. કોંગ્રેસી નેતા પી.ચિદમ્બરમને પ્રશ્ન કરવામાં આવતા ચિદમ્બરમે કહ્યું હતું કે શત્રુઘ્ન સિંહાએ જે કઈપણ કહ્યું છે કે તે અંગે ખુલાસો કરવો જોઈએ.
થોડાક દિવસ પહેલા તેઓ ભાજપના હિસ્સો હતા. કોંગ્રેસના દરેક સભ્યના નિવેદન પર તેઓ ખુલાસો કરવા ઈચ્છુક નથી. શત્રુઘ્ન સિંહાના નિવેદન બાદ રાજકીય ઘમસાણની સ્થિતિ જાવા મળી રહી છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે જ્યારે શત્રુઘ્ન ભાજપમાં હતા ત્યારે રાષ્ટ્ર પ્રેમની વાતો કરતા હતા. કોંગ્રેસમાં જતાની સાથે જ ઝીણાની તારીફ કરવામાં લાગી ગયા છે. ભાજપના નેતા અને ઉત્તર-પૂર્વીય દિલ્હીના ઉમેદવાર મનોજ તિવારીએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે જે લોકો ઝીણા ઉપર ગર્વ કરી રહ્યા છે તે લોકો દેશની શું હાલત કરી શકે છે તે સમજી શકાય છે. કોંગ્રેસી નેતા ચિદમ્બરમે કહ્યું છે કે આ બાબત ભાજપને બતાવવી જાઈએ કે તેઓ હજુ સુધી ભાજપમાં કેમ હતા. આ પહેલા કોંગ્રેસી નેતાએ શત્રુઘ્ન સિંહાને કહ્યું હતું કે તેઓ કોઈ ખુલાસો કરવા ઈચ્છુક નથી.