અમદાવાદ : જેના ત્યાં શેર માટીની ખોટ હોય તેને સંતાનની કિંમત અને કદર ખબર પડે. નિઃસંતાન દંપત્તિઓ પથ્થર એટલા દેવ પૂજી, આકરી બાધાઓ રાખી સંતાન સુખ મેળવવા માટે બનતા તમામ પ્રયાસો કરી છૂટતા હોય છે પરંતુ ઘણીવાર સંતાનસુખની પ્રાપ્તિ થતી નથી હોતી અને ત્યારે આવા દંપત્તિઓ હતાશા અને દુઃખના આઘાતની ગર્તામાં ધકેલાઇ જતા હોય છે પરંતુ આવા નિઃસંતાન દંપત્તિઓ માટે આઇવીએફ સેન્ટર હવે બહુ મોટા આશીર્વાદ સમાન બન્યા છે. ખાસ કરીને પાછલા કેટલાક વર્ષોની સરખામણીએ લેટેસ્ટ ટેકનોલોજી અને નવા સંશોધનોના કારણે આઇવીએફ સેન્ટરની મદદથી નિઃસંતાન દંપત્તિઓને સંતાનપ્રાપ્તિનો સફળતા દર હવે ૬૦ ટકાએ પહોંચ્યો છે.
જેના કારણે હવે નિઃસંતાન દંપત્તિઓ માટે એક નવી આશા જન્મી છે એમ અત્રે શહેરની જાણીતી શાશ્વત આઇવીએફ સેન્ટર એન્ડ વુમન હોસ્પિટલના ડો.શીતલ પંજાબી અને રાજેશ પંજાબીએ જણાવ્યું હતું. શહેરમાં આજે શાશ્વત આઇવીએફ સેન્ટર દ્વારા આઇવીએફથી જન્મેલા ૧૫૦ બાળકો અને તેમના માતા-પિતાનો અનોખો મિલન સમારંભ યોજાયો હતો, જેમાં ડો. શીતલ પંજાબીએ નિઃસંતાન માતા-પિતાઓને હિંમત નહી હારવા અને આશાનો સંચાર જગાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે શાશ્વત આઇવીએફની મદદથી સંતાનસુખ પામેલા માતા-પિતાએ ઉપસ્થિત આ નિષ્ણાત તબીબોનો લાખ-લાખ આભાર માન્યો હતો, ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. શાશ્વત આઇવીએફ સેન્ટર દ્વારા આઇવીએફથી જન્મેલા ૧૫૦ બાળકો અને તેમના માતા-પિતાના અનોખા મિલન સમારંભમાં તેમના ત્યાં આઇવીએફ ટેકનોલોજીથી જન્મેલા ૧૫૦ બાળકો હાજર રહ્યા હતા,
જે એકથી પંદર વર્ષની ઉમંરના હતા, અને તેમાંના કેટલાક તો ટવીન્સ પણ હતા. આ પ્રસંગે નિષ્ણાત ડો.શીતલ પંજાબી અને ડો.રાજેશ પંજાબીએ જણાવ્યું હતું કે, લોકોમાં પહેલા એવી માન્યતા હતી કે, આઇવીએફથી જન્મેલું બાળક નોર્મલ ના હોય પરંતુ એવું નથી. આજની બેબી મીટના બાળકોની હેલ્થને જાતાં તેઓની તંદુરસ્તી અને વિકાસ બીજા બાળકો જેવો જ નોર્મલ હોય છે. નિઃસંતાનપણા અથવા તો, આઇવીએફ વધવાના કારણોમાં વિલંબિત લગ્ન જવાબદાર વધુ હોય છે. ઉપરાંત, કેરિયર સેટ કરવાની લ્હાયમાં યંગસ્ટર્સ(પતિ-પત્ની) બાળકનું પ્લાનીંગ પણ વિલંબથી કરતા હોય છે, તેના કારણે પાછળથી નિઃસંતાનની સમસ્યા સામે આવીને ઉભી રહે છે. બીજીબાજુ, પુરૂષોમાં વીર્યમાં હવે દિન પ્રતિદિન શુક્રાણુઓની સંખ્યા ઘટી રહી છે.
ખાસ કરીને સ્ટ્રેસ, તમાકુ-ધુમ્રપાન, મોબાઇલના વધુ પડતા ઉપયોગ અને વાતાવરણના પોલ્યુશનના કારણે પુરૂષોના વીર્યમાં સ્પર્મ કાઉન્ટ ચિંતાજનક હદે ઘટી રહ્યા છે. જેના કારણે પણ વંધ્યત્વનું પ્રમાણ જાવા મળે છે. નિઃસંતાન દંપત્તિઓને સંતાન પ્રાપ્ત કરાવવા માટે આ ડોકટર દંપત્તિ ડો.શીતલ પંજાબી અને તેમના પતિ ડો.રાજેશ પંજાબીએ તેમનું જીવન જાણે સમર્પિત કરી દીધું છે અને અત્યારસુધીમાં ૨૫૦૦થી વધુ નિઃસંતાન દંપત્તિઓને સંતાનસુખની પ્રાપ્તિ કરાવવાની સિધ્ધિ હાંસલ કરી છે. આજના પ્રસંગે જાણીતા સ્પીકર અને લાઇફ કોચ નંદક પંડયા પણ હાજર રહ્યા હતા અને તેમણે બહુ ઉપયોગી જાણકારી-માર્ગદર્શન આપ્યા હતા.