નવી દિલ્હી : શારદા અને રોઝવેલી કૌભાંડના મામલામાં તપાસને લઇને સીબીઆઈ અને પશ્ચિમ બંગાળ સરકાર આમને સામને આવી ચુકી છે. આજે આ મામલો લોકસભામાં પણ ગુંજ્યો હતો. કોલકાતા પોલીસ કમિશનર અને સીબીઆઈની ટીમ વચ્ચે ખેંચતાણનો મામલો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. આજે આ મામલો લોકસભામાં પણ છવાયેલો રહ્યો હતો. એકબાજુ સીબીઆઈની કાર્યવાહીનો વિરોધ કરીને વિપક્ષે જોરદાર હોબાળો મચાવ્યો હતો.
બીજી બાજુ કેન્દ્ર સરકાર તરફથી ગૃહમંત્રી રાજનાથસિંહે સ્પષ્ટતા કરી હતી. રાજનાથસિંહે કહ્યું હતું કે, સીબીઆઈના અધિકારીઓની સામે પ્રથમ વખત આ પ્રકારનું ખરાબ વર્તન કરવામાં આવ્યું છે. સીબીઆઈના અધિકારીઓ સાથે ઝપાઝપી કરવામાં આવી હતી. તેમને બળજબરીપૂર્વક અટકાયતમાં લઇ લેવામાં આવ્યા હતા. શારદા કૌભાંડનો ઉલ્લેખ કરતા રાજનાથસિંહે પોતાની વાતની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે, લાખો લોકોની કમાણીને આંચકી લેનાર કંપનીની સામે તપાસ કરવા સીબીઆઈને સુપ્રીમ કોર્ટ તરફથી મંજુરી મળેલી છે.
આ મામલામાં પુછપરછ માટે સીબીઆઈની ટીમ રવિવારના દિવસે રાજીવ કુમારના આવાસ ઉપર પહોંચી હતી. સીબીઆઈને રાજીવના આવાસ ઉપર પહોંચવાની જરૂર કેમ પડી તે અંગે પૂછવામાં આવતા રાજનાથસિંહે કહ્યું હતું કે, રાજીવ તપાસમાં સહકાર આપી રહ્યા ન હતા. સતત સમન્સ છતાં પુછપરછમાં હિસ્સો લેવાના બદલે બહાનાબાજી કરી રહ્યા હતા. રાજનાથે કહ્યું હતું કે, પુછપરછ માટે પહોંચેલી ટીમને પોલીસે રોકી દીધી હતી અને બળજબરીપૂર્વક અટકાયતમાં લીધી હતી. આ પ્રકારની ઘટનાઓથી દેશના બંધારણીય માળખા સામે ખતરા ઉભા થયા છે. બંગાળના રાજ્યપાલ સાથે પણ રાજનાથસિંહે વાત કરી હતી.