દેશમાં ભારે ચર્ચા જગાવનાર રાફેલ ડીલના મામલે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી એનડીએ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેજાબી પ્રહારો સતત કરી રહ્યા છે ત્યારે એનસીપીના નેતા શરદ પવારે એમ કહીને કોંગ્રેસને ફટકો આપ્યો છે કે દેશના લોકોને મોદીના ઇરાદાને લઇને કોઇ શંકા નથી. પવારના આ નિવેદનથી રાહુલ ગાંધીને ભારે પીછેહટ સાંપડી છે.
એક મરાઠી ન્યુઝ ચેનલને આપેલી મુલાકાતમાં શરદ પવારે કહ્યુ હતુ કે રાફેલ ડીલ અંગે રાહુલ ગાંધીના આરોપોને લઇને વઘારે કોઇ ફાયદો કોંગ્રેસને થનાર નથી. રાહુલ હાલમાં દરેક જગ્યાએ પ્રચાર વેળા રાફેલનો મુદ્દો ઉઠાવી રહ્યા છે અને ગલી ગલી મે શોર હે ચોકીદાર ચોર હેના આરોપો લગાવી રહ્યા છે. કોંગ્રેસી નેતાઓની વિશ્વસનીયતા અને રાફેલ ડીલના મામલે કોંગ્રેસના આરોપોનો જવાબ આપતા પવારે કહ્યુ હતુ કે આ કોંગ્રેસની વિશ્વસનીયતાનો પ્રશ્ન નથી. આ પ્રશ્ન નિર્ણય લેનાર પ્રક્રિયમાં સામેલ રહેલા લોકોની વિશ્વસનીયતનો છે.
પવારે કહ્યુ છે કે લોકોને મોદીના ઇરાદા અંગે કોઇ શંકા નથી. શરૂઆતમાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન કહી ચુક્યા છે કે આમાં કોઇ દુવિધા નથી. હવે નાણાં પ્રધાન અરૂણ જેટલી પણ આ જ વાત કરી રહ્યા છે. પવારે કહ્યુ હતુ કે તેઓ વપક્ષની એવી માંગ સાથે સહમત નથી કે ટેકનિકલ પાસા અને ડીલને લઇને વિગતો જાહેર કરવી જોઇએ. જો કે પવારે કહ્યુ હતુ કે વિમાનની કિંમતો જાહેર કરવાને લઇને કોઇને કોઇ નુકસાન નથી. કિંમતો જાહેર કરી શકાય છે.
આ સમગ્ર મામલામાં તપાસ કરવા માટે સંયુક્ત સંસદીય સમિતી રહે તેને લઇને પણ તેઓ વિપક્ષની માંગને ટેકો આપે છે. પવારના આ નિવેદનના કારણે કોંગ્રેસ અને એનસીપી મોરચાની શક્યતાને પણ મોટો ફટકો પડ્યો છે. મોદી સરકાર સામે સંયુક્ત મોરચાની તૈયારી કોંગ્રેસ-એનસીપી કરી રહ્યા છે. વર્ષ ૨૦૧૯માં યોજાનાર લોકસભા ચૂંટણી માટે ગઠબંધન અને બેઠકોની વહેચણી અંગે આ બાબત અસર કરી શકે છે.