અમદાવાદ : લોકસભાની ચૂંટણી પહેલાં રાજકીય ગતિવિધિઓમાં ગુજરાતમાં મોખરે રહેનારા પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસથી જુદા પડેલા ગુજરાતના રાજકીય દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ આજે પોતાનું રાજકીય મોભો જાળવતું સ્નેહ મિલન ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યું હતું. બાપુએ આગામી લોકસભાની ચૂંટણીમાં જારદાર સક્રિયતાના સાફ સંકેત આપ્યા હતા. આજના સ્નેહમિલન કાર્યક્રમમાં રાજકીય, સામાજિક આગેવાનો સહિત નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી અને વિપુલ ચૌધરી સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા, જયારે શંકરસિંહના પુત્ર મહેન્દ્ર વાઘેલાની ગેરહાજરી સૂચક રહી હતી.
ગાંધીનગરના સેકટર-૮ના સમર્પણ ગ્રાઉન્ડમાં યોજાયેલા સ્નેહ મિલનમાં રાજ્યભરમાંથી શંકરસિંહ વાઘેલાના સમર્થકો અને ટેકેદારો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પરંતુ ખુદ શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર વાઘેલાની ગેરહાજરી આંખે ઉડીને વળગતી હતી. ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રસિંહ વાઘેલાએ થોડા સમય પહેલાં જ ભાજપમાં જાડાયા બાદ માત્ર ત્રણ મહિનામાં જ બાપુ માટે ભાજપ છોડી દીધું હતું પરંતુ તેઓ જ આજે તેમના પિતાના આ કાર્યક્રમમાં ગેરહાજર રહેતાં સ્વાભાવિક ચર્ચા ચાલી હતી. બાપુના આજના સ્નેહ મિલનમાં શંકરસિંહ વાઘેલા સાથે તેમની સરકાર અને કોંગ્રેસના સમયે સાથે રહેલા નામી ચહેરાઓ જાવા મળતાં હતા તો, કેટલાક નામોની ગેરહાજરી પણ વર્તાતી હતી. આજના સ્નેહમિલન કાર્યક્રમમાં ભાગ લેવા માટે રાજ્યભરમાંથી આશરે ૨૦૦થી વધુ ગાડીઓ-વાહનો અને ૫૦થી વધુ લકઝરીમાં મહિલાઓ અને પુરૂષો ગાંધીનગર બાપુને મળવા પહોંચ્યા હતા.
સ્નેહ મિલન કાર્યક્રમ પહેલાં શંકરસિંહ વાઘેલાએ રેલી યોજી હતી અને ત્યારબાદ ડાયરા સાથે ચાલુ કરવામાં આવેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં પહોંચ્યા હતા. કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલાનું દલિતોએ સંવિધાન આપી, આદિવાસી સમાજે તીર-કામઠું આપીને, પટેલે સમાજે ટ્રેકટર આપી, ઠાકોર સમાજે સાફો પહેરાવી, રબારી સમાજે, લઘુમતી સમાજે સિદી સૈયદની જાળી આપી, ગુજરાત રાજપૂત સમાજે, બ્રહ્મ સમાજ, રાજપૂત કરણી સેના અનેમહિલાઓએ પ્રતિકાત્કમ ભેટ-સોગાદ આપી બાપનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં ૭ હજારથી વધુ લોકોની હાજરી જોવા મળતાં બાપુનો રાજકીય મોભો હજુય જળવાઇ રહ્યો હોય તેવું સ્પષ્ટ ચિત્ર સામે આવ્યું હતું. કાર્યક્રમમાં બાપુએ આગામી લોકસભાની ચૂંટણી દરમ્યાન જોરદાર સક્રિયતાના સાફ સંકેત આપ્યા હતા અને આગામી દિવસોમાં કોઇ રાજકીય ઉથલપાથલ સર્જે તેવી ચર્ચાએ જાર પકડયું હતું.