અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શકિતસિંહ ગોહિલે ઉત્તર ભારતીયો હુમલા મામલે તેમને જવાબદાર ઠરાવવા અંગેના મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિવાદીત નિવેદનને લઇ આજે આખરે માનહાનિનો દાવો કરવા માટેની લીગલ નોટીસ ફટકારી છે. શક્તિસિંહે મુખ્યમંત્રીને ઉત્તર ભારતીયો પર થયેલા હુમલા સંદર્ભે મુખ્યમંત્રીએ આપેલા નિવેદન મામલે અગાઉ કાયદેસર કાર્યવાહી કરવાની આપેલી ચીમકી અનુસંધાનમાં આ લીગલ નોટીસ પાઠવી છે. આ નોટીસમાં રૂપાણીને બે અઠવાડીયામાં ખુલાસો કરવા માટે તાકીદ કરી છે. આ નોટીસમાં તેમણે લખ્યું છે કે,આપના બેજવાબદાર અને કોઈપણ જાતના આધાર વગરના નિવેદનથી ન પૂરી શકાય એવું નુકસાન થયેલું છે.
મુખ્યમંત્રીને પાઠવાયેલી આ કાનૂની નોટીસમાં શક્તિસિંહે લખ્યું છે કે, કોઈપણ જાતના પુરાવાઓ ન હોવા છતાં આક્ષેપ કરવા તે મારી પ્રતિષ્ઠાનું ખંડન છે. મારું જીવન હંમેશા સિદ્ધાંતપૂર્વક અને કાયદાથી બંધારણના સંપૂર્ણ પાલન સાથે જોડાયેલું છે. ગુજરાતમાં રાજ્યમાં લાંબા સમય સુધી એક ધારાસભ્ય તરીકે તથા બે મુખ્યમંત્રીના વડપણ હેઠળ એક મંત્રી તરીકે, વિરોધપક્ષના નેતા તરી અને વિરોધપક્ષના મુખ્ય દંડક તરીકે તથા જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે ફરજો બજાવી છે. હાલ હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા, બિહારના પ્રભારી અને વ‹કગ કમિટીના મેમ્બર તરીકેની રાષ્ટ્રીય કક્ષાએ મારા પક્ષમાં જવાબદારીઓ ઉઠાવી રહ્યો છું, ત્યારે મારી આ પ્રતિષ્ઠાને અને મારી રાજકીય કારકિર્દીને આપના બેજવાબદાર અને કોઈપણ જાતના આધાર વગરના નિવેદનથી ન પૂરી શકાય એવું નુકસાન થયેલું છે. શકિતસિંહ ગોહિલ દ્વારા ા નોટિસમાં મુખ્યમંત્રી રૂપાણીને બે સપ્તાહમાં જરૂરી ખુલાસો કરવા પણ તાકીદ કરી છે અન્યથા આ સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી બે દિવસની ઉત્તર પ્રદેશની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેઓ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા હતા અને તેમને સ્ટેચ્યૂ ઓફ યુનિટિના અનાવરણ કાર્યક્રમમાં હાજર રહેવાનું આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા તેમણે અલ્પેશ ઠાકોર અને શક્તિસિંહ ગોહિલનું નામ લીધા વગર તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ પરપ્રાંતિયો પર હુમલા પાછળ આ બંને નેતાઓનો હાથ હોવાનો પણ આરોપ મુક્યો હતો.
રૂપાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસના એક ધારાસભ્યએ હુમલાઓનું કાવતરું રહ્યું હતું. ચાર રાજ્યમાં ચૂંટણી આવી રહી છે, ઉપરાંત સ્ટેચ્યૂ ઓફ યુનિટિનું અનાવરણ થવાનું છે ત્યારે કોંગ્રેસ વિધ્નો ઉભા કરી રહી છે. પરંતુ ગુજરાત સરકારે કોંગ્રેસના ષડયંત્રને તોડી પાડ્યું હતું. હાલ ગુજરાતમાં એકદમ શાંતિ છે. રૂપાણીના આ નિવેદનને પગલે કોંગ્રેસના દિગ્ગજ નેતા શકિતસિંહ ભડકયા હતા અને તેમણે જા મુખ્યમંત્રી માફી ના માંગે તો તેમની વિરૂધ્ધમાં ક્રિમીનલ અને સિવિલ કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જેના અનુસંધાનમનાં શકિતસિંહે આજે ફર્સ્ટ સ્ટેપ ચાલીને મુખ્યમંત્રીને કાનૂની નોટિસ મોકલી ખુલાસો માંગ્યો છે.