તાજેતરમાં જ કરવામાં આવેલા વાર્ષિક હેલ્થ સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે બ્રિટનમાં દરેક ચાર યુવતીઓ પૈકી એક યુવતી સેક્સ માટે નક્કી કરવામાં આવેલી ૧૬ વર્ષીય વય પહેલાં જ શારીરિક સંબંધો સ્થાપિત કરે છે. આ સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ૧૬થી ૨૪ વર્ષની વયની મહિલાઓ પૈકી ૨૭ ટકા મહિલાઓએ કબૂલાત કરી છે કે ૧૬ વર્ષથી પહેલાં તેઓ સેક્સ સંબંધો સ્થાપિત કરી ચૂકી છે. જ્યારે પુરુષોમાં આ આંકડો ચર્ચાસ્પદ રહ્યો છે. સર્વે મુજબ પુરુષોમાં દરેક પાંચ પૈકી એક અથવા તો ૨૨ ટકાથી વધુ લોકોએ ઓછી વયમાં સેક્સ સંબંધો સ્થાપિત કર્યા હોવાની વાત કબૂલી છે.
આ સર્વે કરતી વેળા મોટી સંખ્યામાં યુવક યુવતીઓના મત લેવામાં આવ્યા હતા. સર્વે મુજબ ૧૬થી ૨૪ વર્ષની વયના મહિલાઓ અને પુરુષોમાંથી ૧૦ પૈકી ૧ એ એવી કબૂલાત કરી હતી કે તેમના ૧૦ અથવા તો તેનાથી વધારે સેક્સ પાર્ટનરો છે. રિપોર્ટમાં ઘણી બધી બાબતોનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે જેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે બ્રિટનમાં તાજેતરના સમયમાં પોર્ન સંસ્કૃતિમાં વધારો થયો છે. વધુમાં વધુ યુવા વર્ગ પોર્ન કલ્ચર તરફ આકર્ષિત થયું છે. આના માટે ઘણા પરિબળો જવાબદાર છે. એકબાજુ ટેલિવિઝન ઉપર રજૂ થતાં કાર્યક્રમો અને બીજી બાજુ ફિલ્મોમાં વધતી જતી અશ્લીલતા જવાબદાર છે.
બ્રિટન અને અમેરિકા જેવા દેશોમાં અતિ આધુનિક બનવાની એક પ્રકારની સ્પર્ધા ચાલી રહી છે જે આના માટે જવાબદાર છે. સોસિયલ નેટવર્કીંગ સાઈટોનો પણ ઘસારો થઈ રહ્યો છે જેમાં ફેસબુક, ટ્વિટરનો સમાવેશ થાય છે. આ સાઈટો મારફતે સંબંધો ઝડપથી સ્થાપિત થયા છે. આ પ્રકારના ટૂંકા ગાળાના સંબંધો પણ ખતરનાક સાબિત થયા હોવાની બાબત સર્વેમાં જાણવા મળી છે.