અમદાવાદ: આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે અથડાયા પછી “મોન્થા” વાવાઝોડું આખરે નબળું પડી ગયું છે. આ અંગે ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે (29 ઑક્ટોબર 2025) માહિતી આપી હતી કે ચક્રવાત “મોન્થા” હવે સામાન્ય ચક્રવાતમાં રૂપાંતરિત થઈ ગયું છે. ચક્રવાત મોન્થા બુધવાર (29 ઑક્ટોબર 2025) ની વહેલી સવારે આંધ્ર પ્રદેશ અને યાનામના કિનારે, મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે થી પસાર થયું હતુ. આંધ્ર પ્રદેશના કિનારે અથડાયા બાદ તે રાજ્યના ઉત્તર-પશ્ચિમ દિશામાં આશરે 10 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. તેનું કેન્દ્ર નરસાપુરથી 20 કિમી, મછલીપટ્ટનમથી 50 કિમી અને કાકીનાડાથી 90 કિમી દૂર હતું.
IMD એ જણાવ્યું કે વાવાઝોડાની દરેક પ્રવૃત્તિ પર મછલીપટ્ટનમ અને વિશાખાપટ્ટણમમાં ડોપલર રડાર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. આંધ્ર પ્રદેશના ઘણા દરિયાકાંઠાના જિલ્લાઓમાં જોરદાર પવન અને ભારે વરસાદ ચાલુ છે. વિજયવાડામાં 50 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને ભારે વરસાદ પડી રહ્યો છે. સરકારએ લોકોને અપીલ કરી છે કે તેઓ આગામી 6 કલાક સુધી સુરક્ષિત સ્થાને જ રહે.
ચક્રવાતની અસરથી પશ્ચિમ ગોદાવરી, કૃષ્ણા અને પૂર્વ ગોદાવરી જિલ્લાઓમાં જોરદાર પવન સાથે ભારે વરસાદ થયો. અનેક સ્થળોએ ઝાડો ધરાશાયી થયા અને વીજ પુરવઠો ખોરવાયો. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે અને પ્રશાસને લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. મછલીપટ્ટનમ, નરસાપુર અને કાકીનાડામાં આશરે 15 સેમી વરસાદ નોંધાયો છે. નેલ્લોર જિલ્લામાં સતત 36 કલાકથી વરસાદ પડી રહ્યો છે, જ્યારે કોન્સીમા જિલ્લામાં ઝાડ પડવાથી એક મહિલાનું મૃત્યુ થયું છે. કુલ મળીને આંધ્ર પ્રદેશમાં અત્યાર સુધી 3 લોકોના મોત થયાની માહિતી છે.
સરકાર દ્વારા નાઇટ કર્ફ્યુ, પ્રવાસ પર પ્રતિબંધ
આંધ્ર પ્રદેશ સરકારે સાવચેતીના ભાગરૂપે કૃષ્ણા, એલુરુ, કાકીનાડા, પશ્ચિમ ગોદાવરી, પૂર્વ ગોદાવરી, કોન્સીમા અને અલ્લૂરી સીતારામા રાજુ એમ કુલ 7 જિલ્લાઓમાં રાત્રે 8:30 થી સવારે 6 વાગ્યા સુધી વાહન વ્યવહાર પર પ્રતિબંધ મૂકી દીધો છે. ફક્ત તાત્કાલિક અને આરોગ્યસેવા માટે છૂટ આપવામાં આવી છે. રાજ્ય પ્રશાસને તમામ રાષ્ટ્રીય હાઇવે પર ટ્રાફિક નિયંત્રિત રાખવાનો આદેશ આપ્યો છે.
ફ્લાઇટ અને ટ્રેન રદ, રાહત દળ તૈનાત
વાવાઝોડાને કારણે હવાઈ અને રેલ સેવા પર ગંભીર અસર થઈ છે. વિશાખાપટ્ટણમ એરપોર્ટ પરથી 32, વિજયવાડાથી 16 અને તિરુપતિથી 4 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. દક્ષિણ મધ્ય રેલવે (SCR) એ સોમવાર અને મંગળવારે 120 થી વધુ ટ્રેનો રદ કરી છે. NDRF ની 45 ટીમો રાહત અને બચાવ કામગીરીમાં તૈનાત છે. વીજળી, પાણી અને ટેલિકોમ સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે મરામત દળ તૈનાત કરાયા છે.
ઓડિશામાં રેડ અલર્ટ, શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ
ઓડિશામાં પણ મોન્થાનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ 8 દક્ષિણ જિલ્લાઓમાં 2000 થી વધુ રાહત કેન્દ્રો સક્રિય કર્યા છે. અત્યાર સુધી 11,000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે, જ્યારે 30,000 લોકોને સ્થળાંતર કરવાની તૈયારી ચાલી રહી છે. 30 ODRF, 123 અગ્નિશામક દળ અને NDRF ની 5 ટીમો તૈનાત છે. રાજ્ય સરકારે 9 જિલ્લાઓમાં શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોને 30 ઑક્ટોબર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. પર્યટકો માટે દેવમાલી અને મહેન્દ્રગિરી પર્વતોમાં પ્રવેશ પ્રતિબંધિત કર્યો છે. માછીમારોને 29 ઑક્ટોબર સુધી સમુદ્રમાં ન જવા ચેતવણી આપવામાં આવી છે.
IMD ની નવી ચેતવણી
ભારતીય હવામાન વિભાગે ઓડિશાના મલ્કાનગીરી, રાયગડા, કોરાપુટ, ગજપતિ અને ગંજામ જિલ્લાઓ માટે રેડ અલર્ટ જાહેર કર્યું છે. જ્યારે કંધમાલ, નયાગઢ, બોલાંગીર, પુરી અને ખુર્દા જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ જાહેર કર્યો છે. કટક, ભદ્રક, બાલાસોર, સંબલપુર અને મયુરભંજ જિલ્લાઓમાં યેલો અલર્ટ જાહેર કર્યો છે.
રેલ મંત્રીએ આકસ્મિક સમીક્ષા બેઠક કરી
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે વિડિયો કોન્ફરન્સ દ્વારા ઈસ્ટ કોસ્ટ રેલવે અને સાઉથ સેન્ટ્રલ રેલવેના અધિકારીઓ સાથે તૈયારીની સમીક્ષા કરી. તેમણે મુસાફરોની સુરક્ષા, ટ્રેન નિયંત્રણ અને આપત્તિ પ્રતિસાદ એજન્સીઓ વચ્ચે વધુ સુમેળ માટે ખાસ ભાર મૂક્યો.
