મહાકુંભના મેળાના પગલે પ્રયાગરાજમાં સુરક્ષાની અનેક વ્યવસ્થા કરવામાં આવી છે. જે સૌથી મહત્વપૂર્ણ વ્યવસ્થા છે તે સુરક્ષાનું ચક્રવ્યૂહ છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે સાત ચક્ર બનાવવામાં આવ્યા છે જે સંપૂર્ણ રીતે અભેદ હશે. દરેક શ્રદ્ધાળુઓ પર નજર રાખવા માટે પોલીસ જવાનો તહેનાત રહેશે. તો અલગ-અલગ સુરક્ષા ચક્રમાં કમાન્ડોની પણ તહેનાતી હશે. ત્યારે કેવી છે મહાકુંભમાં મહાસુરક્ષાની મહાતૈયારી? આવો જાણીએ.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભના મેળા માટે યોગી સરકાર સજ્જ છે. કરોડો સનાતનીઓના સંગમ અને તેમના સત્કાર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આસ્થાના મહાપર્વ સમાન મહાકુંભના મેળા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને આખી સરકાર દિવસ-રાત એક કરી રહી છે. મહાકુંભના મેળામાં કોઈપણ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પ્રયાગરાજને અભેદ કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યો છે. કમાન્ડો સિવાય પ્રયાગરાજમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સના જવાનો પણ તહેનાત કરવામાં આવ્યા છે. દરેક જગ્યાએ નજર રાખવા માટે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. આ સિવાય મુખ્ય રસ્તાથી સંગમ સ્થળ સુધી પહોંચવા માટે 3 કિલોમીટરના અંતરમાં સાત સુરક્ષા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે.
13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા 45 દિવસના મહાકુંભના મેળામાં આખી દુનિયામાંથી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવે તેવી સંભાવના છે. તેમાં ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાઓનું પ્રદર્શન કરવામાં આવશે. મેળા વિસ્તારમાં 2700 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. 56 સાયબર વોરિયરની ટીમ ઓનલાઈન ખતરા પર નજર રાખશે. બધા પોલીસ સ્ટેશનમાં સાયબર હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યા છે. 100 મીટર સુધી ડૂબકી લગાવી શકે તેવા ડ્રોન સંગમ ક્ષેત્રની દેખરેખ કરશે. એટલે આકાશથી લઈને પાણીના ઉંડાણ સુધી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ત્યારે 2025નો મહાકુંભનો મેળો ઐતિહાસિક, અદભૂત અને અવિસ્મરણીય બની રહેશે તે નક્કી છે.
જવાહર બીટી સુરક્ષા પોઈન્ટ
કાલી તિરાહા પોઈન્ટ
લાલ સડક બાઘંબરી સુરક્ષા પોઈન્ટ
ત્રિવેદી સંગમ માર્ગ સુરક્ષા પોઈન્ટ
જગદીશપુર ચાર રસ્તા સુરક્ષા પોઈન્ટ
સિદ્ધેશ્વર સુરક્ષા પોઈન્ટ
સંગમ સુરક્ષા પોઈન્ટ