છત્તીસગઢના દાંતેવાલા જિલ્લામાં નક્સલવાદીઓએ એક પોલીસ વાહનને ફૂંકી મારતા સાત પોલીસ જવાન શહીદ થયા હતા. કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથ સિંહે છત્તીગસઢની મુલાકાતે છે ત્યારે જ નક્સલવાદીઓએ આ મોટા હુમલાને અંજામ આપ્યો હતો. છત્તીસગઢ આર્મ્ડ ફોર્સ અને ડિસ્ટ્રિક્ટ ફોર્સના જવાનો પસાર થઇ રહ્યા હતા ત્યારે જ સવારે બાર વાગ્યાના સુમારે નક્સલવાદીઓએ સુરંગ બિછાવીને આ વિસ્ફોટ કર્યો હતો.
ચોલનાર-કિરાન્દુલ નજીક રસ્તા બનાવવાનું કામ ચાલી રહ્યું હોવાથી પોલીસ વાહનની મદદથી આવતી જતી ટ્રકોને સુરક્ષા અપાઈ રહી હતી. એ વખતે નક્સલવાદીઓએ પાલનાર ગામ નજીક સુરંગો બિછાવી હતી. આ શક્તિશાળી વિસ્ફોટના કારણે પોલીસ જિપ ઉછળીને રસ્તાની બાજુમાં પડી હતી. આ વિસ્ફોટને પગલે પાંચ પોલીસ જવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે બાકીના બે જવાનને તાત્કાલિક નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની કિરાન્દુલમાં આવેલી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જોકે, તેમાંથી એક જવાનનું સારવાર વખતે જ મૃત્યુ થયું હતું, જ્યારે બીજા જવાનની સ્થિતિ સારી હોવાથી તેમને એર લિફ્ટ કરીને રાયપુર લઇ જવાયા હતા, પરંતુ ત્યાં તેમનું પણ મૃત્યુ થયું હતું.
આ હુમલા પછી નક્સલો છ ઓટોમેટિક રાયફલો, બે એકે-૪૭ તેમજ ઇન્સાસ અને સેલ્ફ લોડિંગ રાયફલો લૂંટીને જંગલમાં ભાગી ગયા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલમાં જ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં કરાયેલા નક્સલ વિરોધી ઓપરેશનનો બદલો લેવા આ હુમલો કરાયો હોઇ શકે છે. હાલ મહારાષ્ટ્રના ગઢચિરોલી સહિત ઓડિશાનું મલકાનગિરી અને છત્તીસગઢનું બિજાપુર નક્સલી હિંસાથી પીડાઇ રહ્યા છે.
છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંઘે આ હુમલાને કાયરોનું કૃત્ય ગણાવતા કહ્યું હતું કે, આ હુમલો નાગરિક વિરોધી અને વિકાસ વિરોધી માનસિકતા ધરાવતા લોકોએ કર્યો છે. આ પ્રકારની ઘટનાઓથી સરકાર કે પોલીસની નક્સલોને હંફાવવાની કૃતનિશ્ચયતામાં ઘટાડો નહીં થાય. અમે બસ્તર ડિવિઝનમાં રસ્તાનું નેટવર્ક ઊભું કરવા કટિબદ્ધ છીએ.