પાકિસ્તાની જાસુસી રેકેટ સાથે સંબંધિત આરોપોમાં નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ આરોપમાં ધરપકડ કરવામાં આવેલા નોકા સેનાના સાત કર્મચારીઓને હની ટ્રેપમાં ફસાવી લેવામાં આવ્યા હતા. સાથે સાથે આ નેટવર્કના ભાગરૂપે આઇએસઆઇના હેન્ડલર સુધી અતિ સંવેદનશીલ માહિતી પહોંચી ગઇ હતી. આ સંબંધમાં આંધ્રપ્રદેશ પોલીસે મુંબઇના હવાલા ઓપરેટરની પણ ધરપકડ કરી લીધી છે. હજુ સુધીની તપાસમાં જાણવા મળ્યુ છે કે ત્રણથી ચાર મહિલાઓ દ્વારા ઓનલાઇન ફ્રેન્ડશીપ મારફતે નોકા સેના કર્મચારીઓને હની ટ્રેપમાં ફસાવી લેવામાં આવ્યા હતા. એવુ પણ જાણવા મળ્યુ છે કે પાકિસ્તાની આઇએસઆઇ હેન્ડલરને આ નૌકા સેના કર્મચારીઓએ વર્ષ ૨૦૧૮થી નોકા શિપ્સ અને સબમરીન અંગે માહિતી આપી હતી. દરમિયાન ધરપકડ કરવામાં આવેલા આઠેય આરોપીને વિજયવાડામાં નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીની કોર્ટ સમક્ષ ઉપસ્થિત્ કરવામાં આવ્યા બાદ તેમને ત્રીજી જાન્યુઆરી સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. તેમની આકરી પુછપરછ ચાલી રહી છે.
પોલીસ તરફથી જારી કરવામાં આવેલા નિવેદન મુજબ પોલીસની ગુપ્તચર સંસ્થાએ કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાઓ અને નૌકા સેનાના ગુપ્તચર વિભાગ સાથે મળીને આ સમગ્ર ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડીને જાસુસોને પકડી પાડ્યા છે. ઓપરેશન ડોલ્ફિન્સનોઝ ચલાવવામાં આવ્યું હતું અને જાસુસી રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં ઉડી પુછપરછનો સિલસિલો ચાલી રહ્યો છે. આ સંદર્ભમાં માહિતી આપતા પોલીસે કહ્યું છે કે, ઝડપાયેલા શખ્સોના પાકિસ્તાન સાથે સંબંધો હોઈ શકે છે. સાત કર્મચારીઓ અને એક હવાલા ઓપરેટરને પકડી પાડીને તેમની પુછપરછ ચાલી રહી છે. આ સંદર્ભમાં વિગતવાર માહિતી આપવાનો ઇન્કાર કરતા પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે, હાલમાં ઉંડી તપાસ ચાલી રહી છે જેથી કોઇપણ પ્રકારની વિગત આપવી યોગ્ય રહેશે નહીં. સીબીઆઈ તરફથી પણ તપાસ ચાલી રહી છે. આંધ્રપ્રદેશ પોલીસે આ રેકેટનો ખુલાસો કર્યા બાદ હાલમાં શકમંદોની ઓળખ ગુપ્ત રાખવામાં આવી રહી છે.
તપાસમાં સામેલ રહેલા અધિકારીએ કહ્યુ છે કે વર્ષ ૨૦૧૭માં આરોપી નેવી કર્મચારીની ભરતી થઇ હતી. એક વર્ષની અંદર ત્રણથી ચાર મહિલાઓએ તેમનો સંપર્ક કર્યો હતો. તેમને ઓનલાઇન ફ્રેન્ડશીપની લાલચ આપવામાં આવી હતી. ત્યારબાદ મહિલાઓએ તેમની ઓળખ એક કહેવાતા કારોબારી સાથે કરાવી હતી. પોલીસ દ્વારા મહિલાઓની ધરપકડ કરી શકી નથી.