જૂનાગઢના માળિયા હાટીયા પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. બે કાર વચ્ચે ટક્કર થતાં સાતના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ કાર ગેસવાળી હોવાનું કહેવાય છે. તેના લીધે અકસ્માત થતાં ગેસનો બાટલો ફાટ્યો હતો.
મળતી માહિતી મુજબ જૂનાગઢ-વેરાવળ હાઇવે પર બે કાર વચ્ચે ટક્કર થતાં એક કારમાં આગ લાગી ગઇ હતી. કાર સળગતા તેની ગેસનો બાટલો ફાટ્યો હતો, જેના કારણે રોડની સાઇડમાં રહેલાં એક ઝુપડામાં પણ આગ લાગી ગઇ હતી. આ ગંભીર અકસ્માતમાં 7 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. સાત લોકોના મોતથી જેતપુર- સોમનાથ હાઈવે પર હૃદયદ્વાવક દ્રશ્યો સર્જાયો હતો. તમામ મૃતકોના મૃતદેહને માળિયા હાટિના સરકારી હોસ્પિટલ લઇ જવાયા છે.
અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે હજુ કોઈ માહિતી મળી નથી. અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને તપાસ હાથ ધરી છે. અકસ્માતના કારણે રસ્તા પર ટ્રાફિક જામ પણ થયો હતો. જૂનાગઢ વેરાવળ હાઇવેને મોતનો હાઇવે કહેવાય છે. આ હાઇવે પર જૂનાગઢમાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત નીપજ્યા છે. આ અકસ્માત બાટવાના પાજોદ ગામ પાસે થયો હતો. ઇકો ચાલકે બાઇક સવારને હડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. બાઇક પર ત્રણ મિત્રો ટ્રિપલ સવારીમાં જતા હતા, ઇકો ચાલકે મારેલી ટક્કરમાં ત્રણના મોત થયા છે. અકસ્માતના પગલે ગંભીર રીતે ઘાયલ ત્રણેય મિત્રોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ત્રણેય મિત્રોના મોત થયા હતા. ત્રણ મિત્રોના એકસાથે મોતથી સમગ્ર પંથક શોકમગ્ન બન્યો છે. ઘટનાના પગલે પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને અજાણ્યા ઇકોચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. રાજ્યમાં બનતી અકસ્માતની જીવલેણ ઘટનાઓ દર્શાવે છે કે વાહનચાલકો કેવા બેફામ છે. આ અકસ્માત સર્જનારાઓ તો તેમની ભૂલ થઈ અને વીમો આપી છૂટી જશે, પરંતુ જેના કુટુંબીઓએ જીવનનો આધાર ગુમાવ્યો તેમનું શું થશે. વાસ્તવમાં દરેક અકસ્માત સર્જનાર વાહન ચાલકના માથા પર તેના લીધે જેનું મોત થયું હોય તેના કુટુંબની આખી જવાબદારી કાયમ માટે સુપ્રદ કરવામાં આવે ત્યારે જ આ સમસ્યાનો ઉકેલ આવશે. બે-ચાર લાખ રૂપિયાના વળતરમાં કોઈનું દળદર નહીં ફીટે. જ્યાં સુધી અકસ્માત સર્જનારના માથા પર તેના લીધે મૃત્યુ પામનારના કુટુંબની સમગ્ર જવાબદારી નહીં આવે ત્યાં સુધી આ સિલસિલો નહીં અટકે.