અમદાવાદ : ગુજરાત રાજ્યમાં મહેસુલ ખાતું સૌથી વધારે ભ્રષ્ટ અને બદનામ હોવાનાં મુખ્યમંત્રી રૂપાણીએ કરેલા વિવાદાસ્પદ નિવેદન સામે રાજ્યના તમામ મહેસુલી કર્મચારીઓએ ભારે નારાજગી સાથે ઉગ્ર વિરોધ વ્યકત કર્યો છે. અગાઉ નાયબ મુખ્યમંત્રી દ્ધારા પણ આવા નિવેદન કરી મહેસુલી કર્મચારીઓનું મોરલ ડાઉન કરવા સામે ગાંધીનગર જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ નિવેદન અંગે જાહેર રદિયો આપી માફી માંગવા ઉગ્ર માંગણી કરવામાં આવી છે. આ સમગ્ર મામલે મુખ્યમંત્રી દ્વારા રદિયો આપવામાં નહિ આવે તો મહેસુલી કર્મચારીઓ દ્ધારા તેમના સન્માન માટે આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી, જેને લઇ હવે આ સમગ્ર મામલો ગરમાયો છે.
દરમ્યાન આ સમગ્ર મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે, મેં મહેસૂલ ખાતાના કર્મચારીઓ કે અધિકારીઓ પર કોઇ આરોપ નથી મૂકયો પરંતુ આ ખાતા બદનામ છે તેવો માત્ર ઉલ્લેખ કર્યો હતો. કર્મચારીઓ-અધિકારીઓની લાગણી દુભાય તેવી કોઇ વાત કરી નથી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે અમદાવાદમાં એક સમાંરભ દરમિયાન સૌથી વધારે મહેસુલ અને ગૃહ ખાતામાં ભ્રષ્ટાચાર થતો હોવાનું જણાવ્યું હતું. આ વિવાદાસ્પદ નિવેદન સામે કોંગ્રેસે પણ નિશાન સાધવા સાથે સમગ્ર સચિવાલય સહીત રાજ્યભરમાં ભારે ચકચાર મચી ગઈ છે. જયારે મુખ્યમંત્રીનાં આ નિવેદન સામે નારાજ થયેલા મહેસુલી કર્મચારીઓએ આજે ગાંધીનગર જીલ્લા કલેક્ટર એસ.કે. લાંગાને આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે.
ગુજરાત રાજ્ય રેવન્યુ કર્મચારી મહામંડળ દ્ધારા અપાયેલા આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, મુખ્યમંત્રીએ કરેલું નિવેદન વ્યાજબી નથી અને તેનાથી સમગ્ર રાજ્યના મહેસુલી કર્મચારીઓ નારાજ છે. અગાઉ પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આવાં વિવાદાસ્પદ નિવેદનો કરી વારંવાર મહેસુલી કર્મચારીઓને નિશાન બનાવવાનું યોગ્ય નથી. આ મહામંડળનાં પ્રમુખ દેવેશ પટેલ, ઉપપ્રમુખ વિરામ રબારી તેમજ મહામંત્રી જી.એ.પાટીલ અને અન્ય હોદ્દેદારોએ રાજ્યના મહેસુલી કર્મચારીઓ મહેસુલી કામગીરી સિવાય ઈલેક્શનની સંવેદનશીલ કામગીરી, સમયમર્યાદામાં અછતની કામગીરી, વગેરે કામગીરી સાંગોપાંગ પર પાડી સરકારને જોમ-જુસ્સો પૂરો પાડવામાં આવે છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિષ્ઠાથી કામ કરતા કર્મચારીઓ સામે ભ્રષ્ટાચાર અંગે નિવેદન કરી મહેસુલી તંત્રનું મોરલ તોડવાનું કામ કર્યું છે. આથી મુખ્યમંત્રી વિજય રૂપાણીને જાહેર રદિયો આપવાની અપેક્ષા વ્યક્ત કરતા જણાવાયું છે કે, જો આ બાબતે રદિયો આપવામાં નહિ આવે તો મહેસુલી કર્મચારીઓ દ્ધારા તેમના સન્માન માટે આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે.