5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે. આ દિવસ માટે સરકાર અને બીજી સંસ્થાઓ જાગરૂકતા કાર્યક્રમ ગોઠવશે. ત્યારબાદ ફરી એક વર્ષ માટે બધા જ લોકો સૂઇ જશે. જ્યારે જ્યારે પર્યાવરણ દિવસ આવે ત્યારે જ જાગરૂકતા કાર્યક્રમ થતા હોય છે. બાદમાં પર્યાવરણનું જરાય ધ્યાન રાખવામાં આવતું નથી. વાયુ પ્રદુષણ અને પાણીનું પ્રદુષણ તો જોઇ શકાય છે. એક એવુ પ્રદુષણ છે જે દેખાતું નથી પરંતુ ખુબ ખતરનાક છે તે છે ધ્વનિ પ્રદુષણ.
ધ્વનિ પ્રદુષણથી બહેરાશ પણ આવી શકે છે. તે સિવાય માનસિક તણાવ વધે છે. બીજી પરેશાનીઓ પણ થઇ શકે છે. યુવાનોનું તો ઠીક પરંતુ સ્કુલ જનાર બાળકો બહેરાશનો શિકાર થવા લાગ્યા છે. આ એક ગંભીર સમસ્યા છે. જેને લઇને આખુ વિશ્વ ચિંતામાં છે.
આ કારણને લઇને જ 26 એપ્રિલને આંતરરાષ્ટ્રીય ધ્વનિ પ્રદુષણ ચેતવણી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સાધનોના હોર્નનો અવાજ, શહેરમાં થતા બીજા ધ્વનિ પ્રદુષણ દ્વારા બહેરાશ આવી શકે છે. આ સમસ્યાથી છુટકારો પામવા માટે દરેક નાગરિક જાગરૂક થાય તેની જરૂર છે.
કૃત્રિમ અવાજ કે જે એક લેવલથી વધારે હોય જેના લીધે તમારા કાનને તકલીફ થાય તેને ધ્વનિ પ્રદુષણ કહેવામાં આવે છે. કારખાનામાં થતા અવાજ, વધારે અવાજથી સંભળાતુ મ્યૂઝિક, હોર્ન, ફટાકડાનો અવાજ, લાઉડ સ્પીકર વગેરે ધ્વનિ પ્રદુષણની કેટેગરીમાં આવે છે.