મુંબઈ : શેરબજારમાં આજે ફ્લેટ કારોબાર રહ્યો હતો. કારોબારના અંતે સેંસેક્સમાં ગઇકાલની સરખામણીમાં ખુબ નજીવો ફેરફાર જાવા મળ્યો હતો. બુધવારના દિવસે ભારે ઉથલપાથલ રહ્યા બાદ આજે શેરબજારમાં ફ્લેટ કારોબાર રહ્યો હતો. ઉથલપાથલના સેશનમાં જૂન ફ્યુચર એન્ડ ઓપ્શન (એફએન્ડઓ) સિરિઝના છેલ્લા દિવસે બેંચમાર્ક ઇન્ડેક્સમાં નજીવા ફેરફારની સ્થિતિ જાવા મળી હતી. બેચમાર્ક બીએસઈ સેંસેક્સ માત્ર છ પોઇન્ટ રિકવર થઇને ૩૯૫૮૬ની ઉંચી સપાટીએ રહ્યો હતો. ટેક મહિન્દ્રા, એચસીએલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, આઈટીસી અને ઇન્ફોસીસના શેરમાં સૌથી વધુ મંદી રહી હતી
જ્યારે બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સમાં છ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૧૮૪૨ નોંધાઈ હતી. બ્રોડર માર્કેટમાં ઉતારચઢાવ વચ્ચે કારોબારીઓ આશાસ્પદ સ્થિતિમાં દેખાયા હતા. માર્કેટ બ્રીડ્થ નજીવા ફેરફાર સાથે રિકવરીમાં રહી હતી. આજે ૧૦૧૪ શેરમાં તેજી રહી હતી જ્યારે ૭૪૩ શેરમાં મંદીનો માહોલ રહ્યો હતો. ઉથલપાથલના સેશનમાં સેંસેક્સ એક વખતે ૩૯૮૧૭ સુધી પહોંચ્યો હતો જ્યારે નિફ્ટી ૧૧૯૦૦ સુધી પહોંચ્યો હતો પરંતુ આ સપાટીને જાળવવામાં બંને ઇન્ડેક્સ નિષ્ફળ રહ્યા હતા. નિફ્ટી સેક્ટરલ ઇન્ડેક્સમાં મિશ્ર સ્થિતિ રહી હતી. નિફ્ટી રિયાલીટી અને નિફ્ટી ઓટોમાં ક્રમશઃ ૧.૯ અને ૧.૧ ટકા સુધીનો સુધારો રહ્યો હતો જ્યારે નિફ્ટી આઈટીમાં ૦.૬૮ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં નજર કરવામાં આવે તો બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૫૪ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૮૫૩ રહી હતી જ્યારે સ્મોલકેપમાં ૭૫ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૨૪૯ નોંધાઈ હતી. આજે કારોબાર દરમિયાન કેટલાક શેરમાં તીવ્ર તેજી રહી હતી તેમાં ક્રેડિટ એક્સેસ ગ્રામિણનો સમાવેશ થાય છે. તેના શેરમાં શરૂઆતી કારોબારમાં આઠ ટકાનો સુધારો રહ્યો હતો. કારોબારના અંતે તેના શેરમાં ૦.૧૮ ટકાનો ઉછાળો નોંધાયો હતો.
આવી જ રીતે કોમ્પ્સ એન્ડ કિંગ્સના શેરમાં નિચલી સર્કિટમાં લોકની સ્થિતિ રહી હતી. સતત બીજા દિવસે તેના શેરમાં તીવ્ર ઘટાડો રહ્યો હતો. બ્રિકવર્ક રેટિંગ દ્વારા કંપનીના નોન કન્વર્ટેબલ ડિબેન્ચર ઇશ્યુના ક્રેડિટ રેટિંગને ડાઉન ગ્રેડ કરતા આ અફડાતફડી રહી હતી. ડિબેન્ચર ઇશ્યુમાં ડેબ્ટ રિડક્શનની વાત કરવામાં આવી છે. આજે કારોબાર દરમિયાન એસબીઆઈના શેરમાં ૧.૧ ટકાનો ઉછાળો રહ્યો હતો. તેના બોર્ડ દ્વારા કેપિટલ એડિશન ટાયર-૧ કેપિટલ વધારવા માટે વિચારણા કરવાની તૈયારી કરી છે. અત્રે નોંધનીય છે કે, શેરબજારમાં હાલમાં પ્રવાહી સ્થિતિ માટે જુદા જુદા પરિબળો જવાબદાર દેખાઈ રહ્યા છે જેમાં વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઇરાન વચ્ચે ખેંચતાણ પણ સામેલ છે. આ ઉપરાંત અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરને લઇને બંને દેશો આમને સામને છે. જી-૨૦ની શિખર બેઠકમાં અમેરિકા અને ઇરાન વચ્ચે ખેંચતાણને હળવી કરવાના પ્રયાસો શરૂ થઇ ચુક્યા છે. બેંચમાર્ક સેંસેક્સ નજીવા ફેરફાર સાથે બંધ રહેતા કારોબારીઓ ઉદાસીન દેખાયા હતા. જા કે, હાલમાં તેમાં તેજી રહેવા માટે પુરતા કારણો રહેલા છે.