મુંબઇ : શેરબજારમાં આજે જોરદાર તેજી જાવા મળી હતી. કારોબારની શરૂઆત થયા બાદ સેંસેક્સે રેકોર્ડ ઉંચી સપાટી હાંસલ કરી હતી. સેંસેક્સ પ્રથમ વખત ૩૮૦૦૦થી પર ઉપરની સપાટી પર રહ્યો હતો. આજે કારોબારની શરૂઆત થયા બાદ કારોબારી નવી સપાટીની રાહ જોઇ રહ્યા હતા. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે નિફ્ટી ૧૮ પોઇન્ટ ઉછળીને ૧૧૪૫૯ની સપાટી પર હતો. જ્યારે સેંસેક્સ ૧૫૭ પોઇન્ટ ઉછળીને ૩૮૦૪૫ની સપાટી પર રહ્યો હતો.
શેરબજારમાં આજે દિવસ દરમિયાન તેજી રહેવાના સંકેત દેખાઇ રહ્યા છે. ત્રિમાસિક ગાળાના પરિણામ ઉપર તમામની નજર કેન્દ્રિત છે. આ સપ્તાહમાં જુલાઈ ત્રિમાસિક ગાળાના આંકડા મોટી કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે આવતીકાલે ૧૦મી આગષ્ટના દિવસે ગેલ ઈન્ડિયા, હિન્દાલકો ઈન્ડસ્ટ્રીઝ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તેમના રિપોર્ટ કાર્ડ રજુ કરાશે. આવી જ રીતે ભારત દ્વારા સપ્ટેમ્બર મહિનામાં કેટલીક અમેરિકી ચીજવસ્તુઓ પર વિલંબથી ટેરીફ લાગુ કરવામાં આવનાર છે. ભારત અને અમેરિકા વચ્ચે ટેરીફને લઈને મતભેદો વધ્યા છે. હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ તરીકે સત્તારૂઢ થયા બાદથી આ મતભેદો વધ્યા છે.
૨૦૧૬માં દ્વિપક્ષીય કારોબારનો આંકડો ૧૧૫ અબજ ડોલરનો હતો પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રના પરિણામ સ્વરૂપે આ આંકડો ૩૧ અબજ ડોલર સુધી નીચે પહોંચી ગયો છે. માર્કેટની દિશા નક્કી કરવામાં હવે મોનસુનની ભૂમિકા રહી શકે છે. મોનસૂનની પ્રગતિ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં નોર્મલ રહેવાની શક્યતા દેખાઈ રહી છે. ઓગસ્ટ-૨૦૧૮ દરમિયાન વરસાદ એલપીએના ૯૭ ટકાની આસપાસ રહી શકે છે. તેમાં ૯ ટકા પ્લસ માઈનસની શક્યતા રહેલી છે. સ્કાઈમેટ દ્વારા કહેવામાં આવ્યું છે. આ વર્ષની મોનસૂનની આગાહીમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં સામાન્ય કરતા ઓછા વરસાદ રહેશે.
બજાર પર અન્ય જે પરીબળોની અસર દેખાનાર છે તેમાં વૈશ્વિક બજારમાં પ્રવાહ, વિદેશી અને સ્થાનિક મૂડીરોકાણકારો દ્વારા રોકાણ, ડોલર સામે રૂપિયાની ચાલ, ક્રુડ ઓઈલની કિંમતમાં ઉથલપાથલની અસર જાવા મળશે. શેરબજારમાં ગઇકાલે બુધવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૨૨૨ પોઇન્ટ ઉછળીને ૩૭૮૮૮ની રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યો હતો જ્યારે નિફ્ટી ૬૧ પોઇન્ટ ઉછળીને ૧૧૪૫૦ની ઉંચી સપાટીએ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આરબીઆઇ દ્વારા હાલમાં જ તેની નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરી હતી. જેમાં આરબીઆઇ દ્વારા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા હતા. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટિની મિટિંગના પરિણામ પહેલી ઓગષ્ટના દિવસે જાહેર કરવામાં આવ્યા હતા. તમામ અર્થશાસ્ત્રીઓની ગણતરી મુજબ જ રિઝર્વ બેંકે તેના ચાવીરુપ રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને ૬.૫૦ ટકા થઇ ગયો છે જે બે વર્ષની ઉંચી સપાટી છે.ફુગાવાને કાબૂમાં લેવાના હેતુસર આ પગલા લેવામાં આવી રહ્યા છે.
રેપોરેટમાં સતત બીજી વખત વધારો કરવામાં આવ્યો હતો. જૂન મહિનામાં રેપોરેટમાં ચાર વર્ષથી વધુ સમયગાળાની અંદર પ્રથમ વખત વધારો કરવામાં આવ્યો હતો તે વખતે રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે રેપોરેટ વધીને ૬.૨૫ ટકા થયો હતો. પહેલી ઓગષ્ટના દિવસે પોલિસી સમીક્ષાની બેઠકમાં રેપોરેટમાં વધુ ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને હવે ૬.૫૦ થઇ ગયો હતો. આરબીઆઈએ તેના ભાગરુપે રેપોરેટની સાથે સાથે રિવર્સ રેપોરેટમાં પણ ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો. આની સાથે જ આ દર વધીને ૬.૨૫ ટકા થયો છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો હતો.