મુંબઇ: શેરબજારમાં આજે જોરદાર અફડાતફડી જોવા મળી હતી. કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૧૧૦ પોઇન્ટ ઘટીને ૩૬૫૪૨ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૪ પોઇન્ટ ઘટીને ૧૧૦૫૪ની નીચી સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સમાં ૧.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. આઈટીસી અને હિન્દુસ્તાન યુનિલીવરમાં ઘટાડો રહ્યો હતો. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૧.૯ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. ઇન્ફોસીસ અને તાતાના શેરમાં ઘટાડો જાવા મળ્યો હતો. ચાવીરુપ વ્યક્તિગત શેરોમાં યશ બેંકના શેરમાં ૧.૪ ટકાનો વધારો જોવા મળ્યો હતો.
ડીએચએફએલના શેરમાં એક ટકાનો ઉછાળો રહ્યો હતો. મૂડીરોકાણકારો આજે મોડેથી જાહેર કરવામાં આવનાર યુએસ ફેડરલના પરિણામની રાહ જાઈ રહ્યા છે. એશિયન શેરબજારમાં અફડાતફડી જાવા મળી હતી. ચીની બજારમાં રિકવરીનો દોર જારી રહ્યો હતો. જાપાનના શેરમાં ૦.૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. શાંઘાઇના શેરમાં ૧.૫૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. જાપાનના નિક્કીમાં ૦.૩ ટકાનો ઉછાળો રહ્યો હતો. જાન્યુઆરી ૨૦૧૮ બાદથી સૌથી મોટો ઉછાળો અને ઉંચી સપાટી જાપાનના નિક્કીમાં જોવા મળી હતી. હાલમાં કારોબારી ભારે પરેશાન થયેલા છે. તેમને કોઇ દિશા મળી રહી નથી.
અમેરિકી શેરબજારમાં મોડી રાત્રે મંદી રહી હતી. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજમાં ૭૦ પોઇન્ટનો ઘટાડો થયો હતો. જેથી તેની સપાટી ૨૬૪૯૨ રહી હતી. નાસ્ડેકમાં નજીવો સુધારો રહ્યો હતો. આરબીઆઈની પોલિસી મિટિંગ પણ હવે યોજનાર છે જેને લઇને કારોબારીઓ આશાવાદી છે. લોન મોંઘી થશે કે કેમ તેને લઇને ગણતરીનો દોર ચાલી રહ્યો છે. ફાયનાન્સીયલ માર્કેટ પર હવે સેબી અને રીઝર્વ બેંકની પણ ચાંપતી નજર છે.
દલાલ સ્ટ્રીટમાં ઉથલપાથલ વચ્ચે કારોબારી જોખમ લેવા માટે તૈયાર દેખાઈ રહ્યા નથી. એકબાજુ સપ્ટેમ્બર સિરિઝ ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટની અવધિ ગુરૂવારે પૂર્ણ થશે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરને લઈને પણ ઉથલપાથલનો દોર છે. ઘરઆંગણે જે ઘટનાક્રમ ઉપર નજર રહેનાર છે તેમાં ગ્લોબલ માઇક્રો ડેટાની સાથે સાથે ફિઝકલ ડિફિસિટ અને ઈન્ફ્રાસ્ટ્રકચર આઉટપુટ ડેટા ઉપર નજર રહેશે. જે આંકડા શુક્રવારના દિવસે જારી કરાશે. ડોલર સામે રૂપિયાની ચાલ, વૈશ્વિક ક્રુડ ઓઈલની કિંમતો જેવા પરીબળો પણ રહેશે. ઉપરાંત સેબી દ્વારા ભારત સ્થિતિ વિદેશીઓ દ્વારા વિદેશી રોકાણ ઉપર સુધારવામાં આવેલા નિયમોના પગલાંની અસર પણ શેરબજારમાં રહેશે.
શેરબજારમાં છેલ્લા પાંચ દિસથી ચાલી રહેલી મંદી ઉપર મંગળવારના દિવસે બ્રેક મુકાઈ હતી. મંગળવારે કારોબારના અંતે સેંસેક્સ ૩૪૭ પોઇન્ટ ઉછળીને ૩૬૬૫૨ની સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટીમાં ૧૦૦ પોઇન્ટ ઉછળીને ૧૧૦૬૭ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં ઉતારચઢાવ માટે વિદેશી મુડીરોકાણકારોના વલણને પણ જવાબદાર ગણવામાં આવે છે. તેમના વલણના આધાર પર પણ કેટલાક રોકાણકારો આગળ વધે છે.