અમદાવાદ: અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને રોકવા માટે હવે જુદા જુદા વિસ્તારમાં દવાના છંટકાવની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. વરસાદી માહોલ હોવાના કારણે ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે છતાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો અવિરતપણે સપાટી પર આવી રહ્યા છે
પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં જુલાઈ મહિનામાં ૨૧ દિવસના ગાળામાં જ ઝાડા-ઉલ્ટીના ૭૧૮, કમળાના ૪૨૧, ટાઈફોઈડના ૩૧૯ અને કોલેરાના ૧૯ કેસ સપાટી પર આવ્યા છે. આવી જ રીતે મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો જુલાઈ મહિનામાં ૨૧ દિવસના ગાળામાં સાદા મેલેરીયાના ૨૨૬, ઝેરી મેલેરીયાના ૩, ડેન્ગ્યુના ૨૦ કેસ નોંધાયા છે. જુલાઈ-૨૦૧૭ દરમિયાન લોહીના લેવામાં આવેલા ૧૦૪૮૬૬ નમૂનાની સામે ૨૧મી જુલાઈ ૨૦૧૮ સુધીમાં ૫૯૬૧૮ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે. આવી જ રીતે જુલાઈ ૨૦૧૭ દરમિયાન લેવામાં આવેલા ૨૮૬૧ સિરમ સેમ્પલ સામે જુલાઈ ૨૦૧૮માં હજુ સુધી ૧૪૯૩ સિરમ સેમ્પલ લેવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના હેલ્થ વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળામાં અટકાયતી પગલાંરૂપે પાણીના મુખ્ય સ્ત્રોત અને ઘરોમાંથી ચાલુ માસ દરમ્યાન ૨૬૧૯૨ રેસીડેન્ટલ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત હાઈરીસ્ક વિસ્તારો અને કેસો નોંધાયા હોય તેવા વિસ્તારમાંથી ચાલુ માસ દરમિયાન ૨૬૬૭ પાણીના સેમ્પલ બેક્ટીરીયોલોજીકલ ટેસ્ટ માટે લેવામાં આવ્યા છે. આ માસ દરમ્યાન ૭૦૬૦૭૦ ક્લોરિન ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ચાલુ માસ દરમિયાન ૧૧૬ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે. જે હેઠળ ૭૭૨૪ કિલોગ્રામ અખાદ્ય પદાર્થોનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા પણ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લઈને તપાસ કરવામાં આવી ચુકી છે. જુલાઈ ૨૦૧૮ સુધીમાં ૧૧૬ જુદા જુદા ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે. જેમાંથી ચાર નમુના અપ્રમાણિત જાહેર કરવામાં આવ્યા છે અને ૬૬ નમુના પ્રમાણિત જાહેર કરવામાં આવ્યા છે જ્યારે ૪૬ તમામ નમૂનામાં તપાસ બાકી છે.