મોટાભાગના લોકો સેંગોલ નામથી અજાણ્યા હશે. તે સત્તાના હસ્તાંતરણનું પ્રતીક માનવામાં આવતું હતું. આ પરંપરા ચોલ વંશની હતી. ૧૪મી ઓગસ્ટની મધ્યરાત્રિએ ભારતને આઝાદી મળી હતી. તે દરમિયાન પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને પણ વાઈસરોય લોર્ડ માઉન્ટબેટન દ્વારા સેંગોલ સોંપવામાં આવ્યું હતું. સેંગોલને આપણે રાજદંડના નામથી પણ જાણીએ છીએ. ગૃહમંત્રી અમિત શાહે આજે તેનો ઈતિહાસ જણાવ્યો.આ સાથે હવે તેને સેંગોલ મ્યુઝિયમમાં નહીં પરંતુ નવા સંસદ ભવનમાં સ્થાપિત કરવામાં આવશે. અગાઉ સેંગોલને પ્રયાગરાજના સંગ્રહાલયમાં રાખવામાં આવ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન તેમણે આઝાદીના અમૃત મહોત્સવ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ની મધ્યરાત્રિએ આપણને આઝાદી મળી હતી. સેંગોલ વિશે જણાવતા કહ્યું કે તે પરંપરાના ધ્રુવ સમાન છે. તેમણે કહ્યું કે સેંગોલનું આપણા ઈતિહાસમાં વિશેષ સ્થાન છે. પરંતુ આજ સુધી તેને દૂર રાખવામાં આવ્યુ. હવે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં સેંગોલ પણ રાખવામાં આવશે.
શાહે સેંગોલને લઈને એક વેબસાઈટ પણ લોન્ચ કરી છે. શાહે કહ્યું કે તમિલ ભાષામાં તેને સેંગોલ કહેવામાં આવે છે. તેનો અર્થ છે સંપત્તિથી સંપન્ન. નવી સંસદમાં શક્તિનું પ્રતીક સેંગોલ સ્થાપિત કરવામાં આવશે. જે દિવસે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન થવાનું છે, તે દિવસે તમિલનાડુના સેંગોલ વિદ્વાનો આ સેંગોલ પીએમને રજૂ કરશે. આ પછી, તેને નવા સંસદ ભવનમાં સ્પીકરની સીટની બાજુમાં સ્થાપિત કરવામાં આવશે.શાહે કહ્યું કે ૧૪ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ અંગ્રેજો દ્વારા આ સેંગોલ ભારતીયોને સત્તા હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું. સવાલ એ છે કે, પણ આ હજુ સુધી આપણી સામે કેમ નથી આવ્યું? ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ રાત્રે ૧૦.૪૫ કલાકે તમિલનાડુથી લાવવામાં આવેલ આ સેંગોલ સ્વીકારવામાં આવ્યું હતું. આ સત્તા હસ્તાંતરણની પ્રક્રિયાની પૂર્ણતા હતી. ગૃહમંત્રી અમિત શાહે સેંગોલના ઇતિહાસનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે લોર્ડ માઉન્ટબેટન આપણી પરંપરાથી વાકેફ ન હતા. તેમણે જવાહરલાલ નેહરુને પૂછ્યું કે તે કેવી રીતે કરવું.
નેહરુજીએ સી. રાજા ગોપાલાચારી (રાજા જી) પાસેથી સલાહ માંગી, પછી રાજાજીએ પંડિત નેહરુને આ સેંગોલની પ્રક્રિયા જણાવી અને આ સેંગોલ તમિલનાડુથી મેળવ્યા બાદ મધ્યરાત્રિએ તેમને આપવામાં આવ્યો.શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૮ મેના રોજ નવનિર્મિત સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કરશે. લગભગ ૬૦,૦૦૦ શ્રમ યોગીઓએ રેકોર્ડ સમયમાં આ નવી રચના બનાવવા માટે યોગદાન આપ્યું છે. આ પ્રસંગે પીએમ તમામ શ્રમ યોગીઓનું સન્માન પણ કરશે. સેંગોલ અંગે તેમણે કહ્યું કે તે આપણી બહુ જૂની પરંપરા સાથે જોડાયેલું છે. આપણા ઈતિહાસમાં તેણે મહત્વની ભૂમિકા ભજવી છે. તેને પંડિત નેહરુએ ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ની રાત્રે સ્વીકાર્યુ હતું.