જીવનમાં તમારા જે પણ સપના હોય તે જુઓ, પૂર્ણ થશે -વૃષિકા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ: સીટી ઓફ જાય એટલે કે, કોલકાતાની પૃષ્ઠભૂમિ પર આધારિત ઝી ટીવી પર શરૂ થયેલા લોકપ્રિય શો- યે તેરી ગલિયાંની અભિનેત્રી વૃષિકા મહેતા આજે અમદાવાદની મુલાકાતે આવી હતી. અમદાવાદમાં જ જન્મેલી વૃષિકાએ ઝી ટીવીના આ લોકપ્રિય થઇ રહેલા શો વિશે ખાસ વાત કરતાં જણાવ્યું કે, આ શોમાં એક યુવતીને સમાજમાં કોમર્શીયલ સેક્સ વર્કરને સમાન તક પૂરી પાડવાની વાત હૃદયસ્પર્શી રીતે રજૂ કરવામાં આવી છે, જે સિરિયલોમાં દર્શાવાતા ચીલાચાલુ વિષય કરતાં કંઇક અલગ જ અને રસપ્રદ વિષય છે. જેમાં સમાજને ખાસ કરીને યુવતીઓ અને મહિલાઓને એક ખાસ સંદેશો આપવાનો પ્રયાસ કરાયો છે કે, આ પ્રકારના તમામ લોકોએ તેમની સત્યતાથી ઉપર ઉઠીને તેમના ઉત્કૃષ્ટ ભવિષ્યના નિર્માણ માટેના સતત પ્રયાસો કરવા જાઇએ અને તે માટે જીવનમાં આગળ વધવું જાઇએ.

ચામગ ગર્લ વૃષિકા મહેતાએ જણાવ્યું કે, જીવનમાં તમારા જે સપના હોય, તેને જોવા જોઇએ અને તેના પૂરા કરવા સખત મહેનત અને ખંતથી લાગી જવુ જાઇએ, તે જરૂરથી પૂરા થશે. હસમુખી અને બ્યુટીફુલ વૃષિકા મહેતાએ શો વિશે વધુ વાત કરતાં જણાવ્યું કે, સિનેવિસ્ટાસના નિર્માણ હેઠળ તૈયાર થયેલા યે તેરી ગલિયાં શો તા.૨૫ જૂલાઇથી શરૂ થઇ ચૂકયો છે અને તે ઝી ટીવી પર સોમવારથી શુક્રવાર દરમ્યાન સાંજે ૭-૦૦ વાગ્યે પ્રસારિત થઇ રહ્યો છે.

જેમાં સૌથી રસપ્રદ અને દર્શકોને જકડી રાખે તેવી બાબત તેની વાર્તા અને વિષયવસ્તુ છે. યે તેરી ગલિયાં શો બે માસૂમ બાળકો શાંતનુ અને પુચકીની વાર્તા છે. જેમનો ઉછેર કોલકાતાના સોનાગાછીના એક રેડલાઇટ એરિયામાં થાય છે. પરંતુ પાછળથી તેઓ જુદા પડવા મજબૂર થાય છે.  શાંતનું સોનાગાછીથી દૂર વિદેશમાં અભ્યાસ અર્થે જતો રહે છે, જયારે પુચકી રેડલાઇટ એરિયામાં જ મોટી થાય છે પરંતુ તેના વિચારો ઉંચા હોવાથી તે ડાન્સ ટીચર બનવા ઇચ્છતી હોય છે તે ડાન્સ ટીચર બનીને રહે છે. શું મોટા થયા બાદ આ બંને પ્રેમીઓનું મિલન શકય બને છે, શું શાંતનું બાદમાં પુચકીને અપનાવે છે સહિતના અનેક સવાલો અને રહસ્યો શો જેમ જેમ આગળ વધે છે તેમ તેમ રસપ્રદ તબક્કામાં પહોંચે છે.

વૃષિકાએ ઉમેર્યું કે, પુચકી એક આઝાદ વિચારોવાળી અને આત્મવિશ્વાસથી ભરપૂર યુવતી છે, જે હજારો મુશ્કેલીઓ વેઠીને પણ પોતાના જીવનના ધ્યેયને હાંસલ કરે છે. રિયલ લાઇફમાં ડાન્સનો જે શોખ હતો તે પણ મને ડાન્સ ટીચરના આ શોના પાત્રમાં ઘણો મદદરૂપ બન્યો. ગુજરાતી ગર્લ હોવાના નાતે વૃષિકા મહેતાએ તેની અમદાવાદની બાળપણની યાદો વાગોળતાં જણાવ્યું કે, હું જન્મી અમદાવાદમાં છું પરંતુ મારો અભ્યાસ અને ઉછેર મુંબઇમાં થયો પરંતુ હું વેકેશનમાં અમદાવાદમાં જ રોકાવા આવતી હતી ત્યારે કાંકરિયા સહિતના સ્થળોએ અવશ્ય ફરવા જતી હતી. આજે પણ તે બાળપણની યાદો મારી નજર સામે આવે ત્યારે હું ખૂબ ભાવુક થઇ જાઉં છું. મને આજે ગુજરાતી ખાવાનું ખાસ કરીને કાઠિયાવાડી ભોજન બહુ પ્રિય છે.

Share This Article