છત્તીસગઢ : દંતેવાડામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં 3 નક્સલીઓ ઠાર, એકના માથે હતુ રૂ. 25 લાખનું ઈનામ

Rudra
By Rudra 2 Min Read

છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં સુરક્ષાદળોને એક મોટી સફળતા મળી છે જેમાં, નક્સલવાદીઓ સાથે અથડામણમાં સુરક્ષાદળોએ ત્રણ નક્સલીને ઠાર માર્યા છે. આ ત્રણેય માઓવાદીમાં તેમનો ટોપ કમાન્ડર સુધીર ઉર્ફ સુધાકર ઉર્ફ મુરલી પણ સામેલ છે. જેના માથે રૂ. ૨૫ લાખનું ઈનામ જાહેર કરાયુ હતું. સુરક્ષા કર્મીઓએ ઘટનાસ્થળ પરથી ઈન્સાસ રાઈફલ, ૩૦૩ રાઈફલ સહિત મોટા પ્રમાણમાં વિસ્ફોટક જપ્ત કર્યો છે. સુરક્ષાદળો આ વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન કરી રહ્યા છે.

પોલીસ મહાનિરિક્ષક બસ્તર રેન્જના સુંદરરાજ પી.એ જણાવ્યું કે, સરકારના નિર્દેશ પર લોકોની સુરક્ષા માટે ડીઆરજી, એસટીએફ, બસ્તર ફાઈટર્સ, કોબરા, સીઆરપીએફ, બીએસએફ, આઈડીબીપી અને સીએએફની સંયુક્ત ટીમે સંપૂર્ણ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. છેલ્લા ૮૩ દિવસમાં ૧૦૦થી વધુ નક્સલીને ઠાર માર્યા છે. ગત સપ્તાહે જ બે જુદા-જુદા ઓપરેશનમાં ૨૨ નક્સલીના ઢીમ ઢાળ્યા હતા. આ કાર્યવાહીમાં એક જવાન પણ શહીદ થયો હતો.

આ મામલે પોલીસ અધિક્ષક ગૌરવ રાયે જણાવ્યું હતું કે, દંતેવાડા અને બીજાપુર જિલ્લાની સરહદો પર સ્થિત ગિરસાપારા, નેલગોડા, બોડગા, અને ઈકેલી વિસ્તારોમાં નક્સલવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ ડીઆરજી અને બસ્તર ફાઈટર્સની ટીમે માઓવાદી વિરોધી અભિયાન હાથ ધર્યું હતું. જેમાં ત્રણ નક્સલીને ઠાર કરવામાં આવ્યા છે.

સુરક્ષાદળોને જોતાં જ નક્સલીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. જેના જવાબી ફાયરિંગમાં ત્રણ નક્સલી ઠાર થયા હતા. જેમાં એકની ઓળખ સુધીર ઉર્ફ સુધાકર ઉર્ફ મુરલી રૂપે થઈ હતી. જેના માથે રૂ. ૨૫ લાખનું ઈનામ હતું. અન્ય બે નક્સલીની ઓળખ થઈ રહી છે. ત્રણેયના શબ પર સુરક્ષાદળોએ કબજો લીધો છે.

Share This Article