નવીદિલ્હી : કોંગ્રેસ પાર્ટી ઉપર આકરા પ્રહાર કરતા કેન્દ્રીયમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, કલમ ૩૫૬ (રાષ્ટ્રપતિ શાસન) દેશમાં ૧૩૨ વખત લાગૂ કરવામાં આવ્યું છે જે પૈકી કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારોને ડિસમિસ કરવા માટે ૯૩ વખત આનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગૃહમંત્રી તરીકે અમિત શાહે જારદારરીતે તેમની રજૂઆત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકારે રાજ્યમાં ૯૧૯ લોકોની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. કારણ કે તેમની સામે સુરક્ષાને લઇને કોઇપણ ખતરો રહેલો નથી.
અમિત શાહે ઉમેર્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં ભારતની સામે લોકો વાતચીત કરે છે. સુરક્ષા છત્ર મેળવવાના હેતુસર આ પ્રકારની બિનજરૂરી વાત કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, હકીકતમાં ભારત માટે બોલનાર લોકોને વધારે ખતરો રહે છે. આજે લોકસભામાં સુરક્ષા પાસા પર ચર્ચા દરમિયાન હોબાળો થયો હતો.
અમિત શાહે તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુના નામનો ઉલ્લેખ કરીને કોંગ્રેસી સભ્યોને નારાજ કરી દીધા હતા. આને લઇને હોબાળો પણ મચાવવામાં આવ્યો હતો. અમિત શાહ તેમના અંદાજમાં લોકસભામાં નિવેદન કરતા નજરે પડ્યા હતા.