શ્રીનગર : કલમ ૩૫-એની કાયદેસરતા પર સુપ્રિમ કોર્ટમાં કાયદેસરના પડકાર સામે અલગતાવાદીઓ દ્વારા સંપૂર્ણ બંધની હાકલ કરવામાં આવ્યા બાદ આજે સતત બીજા દિવસે પણ કાશ્મીરમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલુ રહ્યુ હતુ. અમરનાથ યાત્રા આજે બીજા દિવસે પણ બંધ રાખવામાં આવી તી. કોઇ પણ અનિચ્છનીય બનાવને ટાળવાના હેતુથી આ યાત્રા બંધ રાખવામાં આવી રહી છે.
અલગતાવાદીઓના બંધના પરિણામ સ્વરૂપે વહીવટીતંત્રએ સાવચેતીના પગલાંરૂપે ગઇકાલે જ અમરનાથયાત્રાને બે દિવસ માટે રદ કરવાનો નિર્ણય કર્યો હતો. કલમ ૩૫-એને સમર્થન આપવાના હેતુસર આ બંધની હાકલ કરવામાં આવી હતી. કલમ ૩૫-એ રાજ્યને ખાસ અધિકાર આપે છે. ભગવતીનગર યાત્રા નિવાસથી કોઈપણ શ્રદ્ધાળુઓને આગળ વધવાની મંજુરી આપવામાં આવી ન હતી. ઉધમપુર અને રામબાણમાં ખાસ તપાસ ચોકી ગોઠવવામાં આવી છે.
જેથી શ્રદ્ધાળુઓનો જથ્થો જમ્મુ-શ્રીનગર રાજમાર્ગ ઉપર આગળ ન વધે. જે બંને જિલ્લામાંથી પસાર થાય છે. ખીણમાં બલતાલ અને પહેલગામ આધાર કેમ્પથી યાત્રીઓ તેમની યાત્રાને આગળ વધારી શકશે. ૨૮મી જૂનના દિવસે અમરનાથયાત્રા શરૂ થયા બાદથી હજુ સુધી ૨.૭૧ લાખથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં સ્થિત કુદરતી રીતે બનતા શિવલીંગના દર્શન કરી ચુક્યા છે. આ અમરનાથ યાત્રા ૨૬મી ઓગસ્ટના દિવસે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થનાર છે.આજે બંધના બીજા દિવસે પણ ખીણમાં દુકાનો અને વેપારી પેઢીઓ બંધ રહી હતી. બંધને સારો પ્રતિસાદ મળ્યો છે કારણ કે તમામ પ્રકારના વાહનો માર્ગો ઉપર દેખાયા ન હતા. જેઆરએલ દ્વારા બે દિવસના બંધની હાકલ કરવામાં આવી છે. ખીણમાં અને કાશ્મીરના અન્ય ભાગોમાં કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવા માટે આજે સવારથી જ મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સંપત્તિને નુકસાન ન થાય તેના માટે પણ પગલા લેવાયા હતા. જેઆરએલ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને બાર એસોસિએશન ટેકો આપ્યો છે.