ક્રાઇસ્ટચર્ચ : ક્રાઇસ્ટચર્ચ ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે આજે રમત બંધ રહી ત્યારે ન્યુઝીલેન્ડે તેની સ્થિતી અતિ મજબુત બનાવી લીધી હતી. ન્યુઝીલેન્ડે તેના બીજા દાવમાં બે વિકેટે ૨૩૧ રન કર્યા હતા. આજે રમત બંધ રહી ત્યારે ન્યુઝીલેન્ડ તરફથી લાથમ ૭૪ અને ટેલર ૨૫ રન સાથે રમતમાં હતા. ન્યુઝીલેન્ડ હવે પ્રવાસી શ્રીલંકન ટીમ પર ૩૦૫ રનની લીડ ધરાવે છે અને તેની આઠ વિકેટ હાથમાં છે. ન્યુઝીલેન્ડ તરફથી રાવલ ૭૪ રન કરને આઉટ થયો હતો. અગાઉ ન્યૂઝીલેન્ડના પ્રથમ દાવમાં ૧૭૮ રન ઓલઆઉટના જવાબમાં શ્રીલંકાની ટીમ માત્ર ૧૦૪ રન કરીને આઉટ થઇ ગઇ હતી.
બોલ્ટે જારદાર તરખાટ મચાવીને ૩૦ રનમાં છ વિકેટ ઝડપી લીધી હતી. આજે બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે શ્રીલંકાની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં ચાર વિકેટે ૯૪ રનથી આગળ રમતા ૧૦૪ રન કરીને ટીમ આઉટ થઇ ગઇ હતી. બોલ્ટે ૧૫ ઓવરમાં ૩૦ રન આપીને છ વિકેટ ઝડપી હતી. બોલ્ટે છેલ્લી છ વિકેટ ખુબ જ ઝડપથી લીધી હતી. અલબત્ત તે એક વખતે હેટ્રિક ચુકી ગયો હતો. શ્રીલંકા તરફથી મેથ્યુસે સૌથી વધુ ૩૩ રન કર્યા હતા.
ટેસ્ટ ઇતિહાસમાં ચોથી વખત આવું બન્યું છે જ્યારે પુછડિયા બેટ્સમેનો કોઇપણ ખાતુ ખોલ્યા વગર આઉટ થયા છે. ૮, ૯, ૧૦ અને ૧૧ નંબરના બેટ્સમેનો કોઇપણ ખાતુ ખોલ્યા વગર આઉટ થયા હતા. અગાઉ ૧૯૯૪માં પ્રથમ વખત આવું બન્યું હતું. તે વખતે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં ટેસ્ટ મેચ રમાઈ હતી જેમાં આ પ્રકારની સિદ્ધિ રહી હતી. બોલ્ટના તરખાટ સામે શ્રીલંકા પાસે કોઇ જવાબ રહ્યા ન હતા અને નિયમિતગાળામાં વિકેટ ગુમાવી હતી. ન્યુઝીલેન્ડની ટીમ ઘરઆંગણે હંમેશની જેમજ ખુબ પ્રભાવશાળી રહી છે. બોલ્ટ સૌથી ઘાતક બોલર તરીકે ઉભરી આવ્યો છે. આજે તેની બોલિંગ ખુબ જ ઘાતક રહી હતી. છ વિકેટ ૧૫ બોલમાં લીધી હતી.