ક્રાઇસ્ટચર્ચ : ક્રાઇસ્ટચર્ચ ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે આજે ન્યુઝીલેન્ડે તેની સ્થિતિ મજબૂત કરી હતી અને હવે આ ટેસ્ટ મેચ તેના હાથમાં આવી ગઈ છે. ન્યુઝીલેન્ડે આજે તેના બીજા દાવમાં ચાર વિકેટે ૫૮૫ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. લાથમે ૧૭૬ અને નિકલોસે ૧૬૨ રન કર્યા હતા. આજે રમત બંધ રહી ત્યારે શ્રીલંકાએ તેના બીજા દાવમાં બે વિકેટ ગુમાવીને ૨૪ રન કર્યા હતા. હજુ તેને ૬૩૬ રનની જરૂર છે અને તેની આઠ વિકેટ હાથમાં છે. આ ટેસ્ટ મેચમાં શ્રીલંકાની હાર નિશ્ચિત બની ગઈ છે. માત્ર ઔપચારિકતા રહી છે.
ગઇકાલે બીજા દિવસે રમત બંધ રહી ત્યારે ન્યુઝીલેન્ડે તેની સ્થિતી અતિ મજબુત બનાવી લીધી હતી. ન્યુઝીલેન્ડે તેના બીજા દાવમાં બે વિકેટે ૨૩૧ રન કર્યા હતા. આજે આગળ રમતા ન્યુઝીલેન્ડે મજબૂત બેટિંગ કરી હતી. અગાઉ ન્યૂઝીલેન્ડના પ્રથમ દાવમાં ૧૭૮ રન ઓલઆઉટના જવાબમાં શ્રીલંકાની ટીમ માત્ર ૧૦૪ રન કરીને આઉટ થઇ ગઇ હતી. બોલ્ટે જારદાર તરખાટ મચાવીને ૩૦ રનમાં છ વિકેટ ઝડપી લીધી હતી. આજે બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે શ્રીલંકાની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં ચાર વિકેટે ૯૪ રનથી આગળ રમતા ૧૦૪ રન કરીને ટીમ આઉટ થઇ ગઇ હતી. બોલ્ટે ૧૫ ઓવરમાં ૩૦ રન આપીને છ વિકેટ ઝડપી હતી. બોલ્ટે છેલ્લી છ વિકેટ ખુબ જ ઝડપથી લીધી હતી. અલબત્ત તે એક વખતે હેટ્રિક ચુકી ગયો હતો.
શ્રીલંકા તરફથી મેથ્યુસે સૌથી વધુ ૩૩ રન કર્યા હતા. ટેસ્ટ ઇતિહાસમાં ચોથી વખત આવું બન્યું છે જ્યારે પુછડિયા બેટ્સમેનો કોઇપણ ખાતુ ખોલ્યા વગર આઉટ થયા છે. ૮, ૯, ૧૦ અને ૧૧ નંબરના બેટ્સમેનો કોઇપણ ખાતુ ખોલ્યા વગર આઉટ થયા હતા. અગાઉ ૧૯૯૪માં પ્રથમ વખત આવું બન્યું હતું. તે વખતે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં ટેસ્ટ મેચ રમાઈ હતી જેમાં આ પ્રકારની સિદ્ધિ રહી હતી. બોલ્ટના તરખાટ સામે શ્રીલંકા પાસે કોઇ જવાબ રહ્યા ન હતા અને નિયમિતગાળામાં વિકેટ ગુમાવી હતી. ન્યુઝીલેન્ડની ટીમ ઘરઆંગણે હંમેશની જેમજ ખુબ પ્રભાવશાળી રહી છે.