એડિલેડના ઐતિહાસિક મેદાન ખાતે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલથી બીજી ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. ઓસ્ટ્રેલિયા પ્રથમ ટેસ્ટ મેચમાં જીત મેળવી લીધા બાદ આ ટેસ્ટમાં પણ હોટફેવરીટ તરીકે મેદાનમાં ઉતરનાર છે. બ્રિસ્બેન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન પર એક ઇનિગ્સ અને પાંચ રને જીત મેળવી હતી. આની સાથે જ બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી હતી. બ્રિસ્બેન ટેસ્ટમાં પાકિસ્તાનની ટીમ તેના બીજા દાવમાં ૩૩૫ રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી આધારભૂત બેટ્સમેન બાબર આઝમે ૧૦૪ રન બનાવ્યા હતા. જ્યારે રિઝવાને ૯૫ રન બનાવ્યા હતા. આ બંને ખેલાડીઓએ ઉપયોગી ભાગીદારી નોંધાવી હતી. જેના લીધે પાકિસ્તાને હાર ટાળવાના પ્રયાસો કર્યા હતા. પાકિસ્તાને ઇનિગ્સની હારને ટાળવાના પ્રયાસો કર્યા હતા પરંતુ આમા સફળતા મળી ન હતી. બાબરે ૧૭૩ બોલમાં ૧૩ ચોગ્ગા સાથે ૧૦૪ રન બનાવ્યા હતા. જ્યારે રિઝવાને ૨૧૫ મિનિટ સુધી બેટિંગ કરીને ૧૪૫ બોલમાં ૯૫ રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી હેઝલવુડે ૬૩ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે સ્ટાર્કે ૭૩ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
આ ટેસ્ટ મેચમાં મેન ઓફ મેચ તરીકે લમ્બુસ્ગેની પસંદગી કરવામાં આવી હતી. ટેસ્ટ મેચને લઇને યજમાન ઓસ્ટ્રેલિયા ભારે ઉત્સુક છે. હાલમાં તેનો દેખાવ જોરદાર રહ્યો છે. બીજી બાજુ પાકિસ્તાન તેના દેખાવને સુધારવાના હેતુથી મેદાનમાં ઉતરનાર છે. પ્રથમ ટેસ્ટમાં ફ્લોપ રહ્યા બાદ ટેસ્ટ ક્રિકેટમાં સતત ધરખમ દેખાવ કરવા માટે સ્મીથ ખુબ ઉત્સુક છે. મેચની તૈયારી કરી લેવામાં આવી છે. બાબર આઝમ ૨૦૧૬-૧૭ના પ્રવાસમાં નિષ્ફળ રહ્યો હતો. છ ઇનિંગ્સમાં માત્ર ૬૮ રન બનાવી શક્યો હતો. બે વર્ષના ગાળામાં તે પરત ફર્યો છે અને આ વખતે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. વન ડે અને ટ્વેન્ટી ક્રિકેટમાં જોરદાર દેખાવ કરી ચુક્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયામાં છેલ્લા ૧૩ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનની સતત હાર થઇ છે. આંકડા પર નજર કરવામાં આવે તો પાકિસ્તાને ૧૯૯૫ બાદથી કોઇ ટેસ્ટ મેચ જીતી નથી. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા પાસે જીતના સિલસિલાને જાળવી રાખવાની તક છે.
બીજી બાજુ વોર્નર પર ધરખમ દેખાવ કરવા સજ્જ દેખાઈ રહ્યો છે. તે પ્રથમ ટેસ્ટમાં આની સાબિતી આપી ચુક્યો છે. હાલમાં જ એસીઝ શ્રેણીમાં સ્ટીવ સ્મિથ છવાયેલો રહ્યો હતો. સ્ટીવ સ્મિથ અને વોર્નર ટીમમાં પરત ફર્યા બાદ ટીમની તાકાત અનેકગણી વધી ગઈ છે. ઘરઆંગણેની સ્થિતિ માં કમિન્સ, હેઝલવુડ અને સ્ટાર્કની ત્રિપુટી એડિલેડમાં ઘાતક બની શકે છે. ડે નાઇટ ટેસ્ટ મેચને લઇને ઉત્સુકતા છે. ઓસ્ટ્રેલિયા આ ટેસ્ટ બાદ આગામી મહિનામાં ન્યુઝીલેન્ડ સામે પણ ડેનાઇટ ટેસ્ટ મેચ રમનાર છે. પ્રથમ ટેસ્ટમાં હાર ખાધા બાદ પાકિસ્તાન વધારે સાવધાનીપૂર્વક બેટિંગ કરે તેવી શક્યતા છે. પાકિસ્તાન હાલમાં બેટિંગમાં ફ્લોપ દેખાતા છાવણીમાં નિરાશા છે.