સત્ર શરૂ થયાના બે મહિના બાદ RTEનો બીજા દોર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદઃ શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થયાને બે મહિના જેટલો સમયગાળો વીતી ગયો છે ત્યારે આખરે શિક્ષણ વિભાગ દ્વારા હવે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ (આરટીઇ) હેઠળ ધોરણ-૧માં ખાનગી શાળાઓમાં પ્રવેશનો બીજો રાઉન્ડ જાહેર કરાયો છે. પહેલા રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહી ગયેલાં બાળકો માટે હવે પ્રવેશનો માર્ગ મોકળો થશે.

અમદાવાદ શહેરમાં ૧૭ હજારથી વધુ અને ગ્રામ્યમાં ૧૫ હજારથી વધુ પ્રવેશફોર્મ ભરાયાં હતાં. પ્રવેશથી વંચિત રહી ગયેલા બાળકોને હવે પ્રવેશની એક વધુ તક પણ પ્રાપ્ય બનશે. ઉલ્લેખનીય છે કે, ખુદ ગુજરાત હાઇકોર્ટે આરટીઇ હેઠળ પ્રવેશ અંગેની જાહેરહિતની રિટમાં અરજી કરનાર તમામ બાળકોને પ્રવેશ પ્રાપ્ય બનાવવા રાજય સરકારને કડક તાકીદ કરી હતી. સરકારે પણ બાળકોને પ્રવેશ આપવાની હૈયાધારણ હાઇકોર્ટ સમક્ષ આપી હતી.

આરટીઇ હેઠળના પહેલા રાઉન્ડમાં અમદાવાદ શહેરમાંથી ૧૦,૨૧૯ અને ગ્રામ્યની શાળાઓમાં ૮,૩૬૫ને પ્રવેશ અપાયો છે. હજુ શહેર અને ગ્રામ્યનાં અંદાજે સાત હજારથી વધુ બાળકોને નવા રાઉન્ડમાં પ્રવેશ અપાશે. જૂનના ત્રીજા સપ્તાહમાં આરટીઇ અંતર્ગત ખાનગી શાળાઓમાં ધોરણ-૧માં પ્રવેશનો પહેલો રાઉન્ડ યોજવામાં આવ્યો હતો, પરંતુ ત્યાર પછી એડિ્‌મશનનો બીજો રાઉન્ડ શરૂ થાય તે પહેલાં જ કોર્ટ વિવાદ અને અન્ય કારણસર બીજો રાઉન્ડ અટકી ગયો હતો, આખરે તા.૧૩ ઓગસ્ટથી આરટીઇનો પ્રવેશનો બીજો રાઉન્ડ વિભાગની વેબસાઇટ પર જાહેર કરાયો છે.

શિક્ષણ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર ગઇ કાલે બીજા રાઉન્ડના પ્રવેશની વિગતો મુકાઇ છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે, બાકી રહેલા અને શાળાઓ ફાળવી દીધી હોય તેવા વિદ્યાર્થીઓએ તા.૨૧ ઓગસ્ટ સુધીમાં જે તે શાળામાં તેમના જરૂરી ડોક્યુમેન્ટ્‌સ જમા કરવાના રહેશે. આમ, હવે પ્રવેશથી વંચિત રહી ગયેલા બાળકોને જે તે શાળામાં પ્રવેશ મેળવવાનો માર્ગો મોકળો બન્યો છે. બીજા રાઉન્ડ શરૂ થતાં વિદ્યાર્થીઓના વાલીઓએ પણ રાહતનો દમ લીધો છે.

TAGGED:
Share This Article