વિશાખાપટ્ટનમ : વિશાખાપટ્ટનમમાં આજે રમાયેલી બીજી વનડે રોમાંચની ચરમસીમા ઉપર પહોંચ્યા બાદ છેલ્લા બોલે ટાઇ પડતા ભારતીય ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા. ઉમેશ યાદવે છેલ્લી ઓવરમાં લાઇન લેંથ બગાડતા મેચ ટાઈમાં પરિણમી હતી. છેલ્લી ઓવરમાં વિન્ડિઝને જીતવા માટે ૧૪ રનની જરૂર હતી પરંતુ ઉમેશે આ રન બચાવ્યા ન હતા. છેલ્લા બોલે હોપે ચોગ્ગો ફટકારીને ભારતની જીતની આશા ઉપર પાણી ફેરવ્યું હતું. છેલ્લા બોલે જીતવા માટે પાંચ રનની જરૂર હતી પરંતુ હોપે ચોગ્ગો ફટકારીને મેચને ટાઈ કરી હતી. આ મેચ હાઈસ્કોરીંગ રહી હતી. હોપે અણનમ સદી ફટકારી હતી જ્યારે વિરાટ કોહલીએ અણનમ ૧૫૭ રન બનાવ્યા હતા. તે પહેલા ગુવાહાટીમાં રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ધારણા પ્રમાણે જ ભારતે વેસ્ટઇન્ડિઝને આઠ વિકેટે કચડી નાંખીને ૧-૦ની લીડ મેળવી લીધી હતી. જીતવા માટેના ૩૨૩ રનના લક્ષ્યાંકને પણ ભારતે ૪૭ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે જ જીત મેળવી લીધી હતી.
ભારત તરફથી રોહિત શર્માએ અણનમ ૧૫૨ રન ફટકાર્યા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ પણ ૧૪૦ રન ફટકાર્યા હતા. કોહલીએ ૧૦૭ બોલમાં ૨૧ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી આ રન બનાવ્યા હતા. પ્રથમ વિકેટ ૧૦ રનમાં પડ ગયા બાદ રોહિત શર્મા અને કોહલીએ બીજી વિકેટની ભાગીદારીમાં ૨૪૬ રનની ભાગીદારી નોંધાવી હતી
હાલમાં જ રમાયેલી બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં વેસ્ટ ઇન્ડિઝને ૨-૦થી કચડી નાંખવામાં આવ્યા બાદ ટીમ ઇન્ડિયા ધારણા પ્રમાણે જ પ્રથમ મેચમાં જારદાર દેખાવ કર્યો હતો. વનડે શ્રેણી પહેલા હૈદરાબાદમાં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચ પણ જીતીને ભારતે નવો ઇતિહાસ સર્જ્યો હતો. ભારતે વેસ્ટઇન્ડિઝ ઉપર હૈદરાબાદ ટેસ્ટમાં ૧૦ વિકેટે જીત મેળવી હતી. યજમાન ટીમને જીતવા માટે માત્ર ૭૨ રનની જરૂર હતી. જે ભારતે કોઇ પણ વિકેટ ગુમાવ્યા વિના બનાવી લીધા હતા. તે પહેલા રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ઓસોસિએશન મેદાન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝને કચડી નાખીને સૌથી મોટી જીત હાંસલ કરી હતી.ભારતે વિન્ડિઝને એક ઈનિંગ્સ અને ૧૭૨ રને હાર આપી હતી. ભારતની ટેસ્ટ મેચમાં ઈનિંગ્સ અને રનના મામલામાં આ સૌથી મોટી જીત હતી.