અમદાવાદ : શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી અમલમાં આવનાર ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પદ્ધતિના સંદર્ભમાં આજે બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાઓને જરૂરી સૂચના આપી દેવામાં આવી છે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પદ્ધતિ અંગે વાલીઓ દ્વારા મળેલી રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી છે જેના ભાગરુપે શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી પહેલાના પત્રથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પદ્ધતિ અંગે સૂચના આપવામાં આવી છે. સૂચનાઓમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પુરતો સુધારો કરવામાં આવે છે જેના ભાગરુપે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં માર્ચ ૨૦૧૯ની ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની જેમ જ ૫૦ ટકા એમસીક્યુ ઓએમઆર પદ્ધતિ અને ૫૦ ટકા થિયરી સબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો પ્રમાણે પરીક્ષા પદ્ધતિને અમલી કરવામાં આવનાર છે.
આ સંદર્ભમાં સંયુક્ત નિયામક ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માહિતી આપી દેવામાં આવી છે. આના ભાગરુપે સ્કુલોને પણ જાણ કરવામાં આવી છે. ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની તમામ શાળાઓને સૂચના આપી દેવામાં આવી છે. સરકારના આદેશ બાદ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પદ્ધતિ આ વર્ષે પણ અમલી રહેશે.
વિદ્યાર્થીઓને આના કારણે વધુ રાહત મળશે. એમસીક્યુ ઓએમઆર પદ્ધતિ હંમેશા વિદ્યાર્થીઓના હિતમાં રહેતી હોવાની વાત નિષ્ણાતો પણ કરતા રહ્યા છે. આ વર્ષે પણ આજ પદ્ધતિ અમલી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલમાં બોર્ડને જુદા જુદા વર્ગના લોકો દ્વારા સૂચન કરવામાં આવી રહ્યા હતા. રજૂઆતો પણ કરવામાં આવી રહી હતી. આજે બોર્ડ તરફથી નિવેદન જારી કરીને સ્પષ્ટ કરવામાં આવી હતી.