મહેસાણા ખાતે ૬૯મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના કાર્યક્રમના ભાગ રૂપે આજે વિસનગર સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે ગુજરાત સાયન્સ કાર્નિવલ ૨૦૧૮નું ઉદઘાટન કરીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે પ્રકૃતિના રહસ્યો સગવડોની શોધ અને દેશના વિકાસ માટે યુવાનોમાં જીજ્ઞાસાવૃતિ જેવા ગુણો વિકસે અને તે માટે રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા સક્રીય પ્રયાસો હાથ ધર્યા છે. ગુજરાતમાં ચાર ઝોનમાં પાટણ, ભુજ, વડોદરા અને રાજકોટ ખાતે પ્રાદેશિક સાયન્સ મ્યુઝિયમના નિર્માણનો નિર્ણય કર્યો છે. પરિણામે યુવાનોમાં સર્જનાત્મક ઇનોવેશન ડિઝાઇન, ડિઝાઇન લેબ. બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં યુવાનો આગળ વધીને નવી પેટન્ટોનું નિર્માણ કરશે. વિજ્ઞાન માનવજાતના કલ્યાણ માટે ઉપયોગી થાય તે માટે આવનાર દિવસોમાં સાયન્સ ટેકનોલોજી ક્ષેત્રે સહિયારા પ્રયાસો દ્વારા ગુજરાત નવા કિર્તીમાન સ્થાપશે.
ગુજરાત સાયન્સ કાર્નિવલ ૨૦૧૮માં યુવાનોએ વિવિધ ૮૫ જેટલા વિષયોને આવરી લઇ સુંદર પ્રોજેક્ટ રજુ કર્યો છે. દ્વિદિવસીય સાયન્સ કાર્નિવલ ૨૦૧૮માં ૧૦૦થી પણ વધુ શાળાના સાત હજાર વિદ્યાર્થીઓ વિવિધ ઔદ્યોગિક એકમો તથા કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. શાળાના બાળકો દ્વારા કૌશલ્ય પૂર્ણ પ્રોજેક્ટ પ્રદર્શિત કરવામાં આવે છે. એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ઇનોવેટીવ આઇડીયા મોડેલના રૂપમાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. વિવિધ ઇન્ડ્રસ્ટ્રીઝના એન્જીનીયર દ્વારા નવીન સંશોધનો ટેકનોલોજી નમુના રોબોટીક્સ રજુ કરવામાં આવ્યા છે તે સાથે સ્કૂલના વિધાર્થીઓ માટે સાયન્સ ક્વીઝ, લેન ગેમીંગ જેવી પ્રતિયોગીતાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સાંકળચંદ પટેલ વિદ્યાધામ ખાતે લાઇવ વોલ પેઇન્ટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૦૦ જેટલા ચિત્રકારોએ ભાગ લીઘો હતો. ચિત્રકારોની લાઇવ પેઇન્ટીંગ કળા જોઇને સર્વે મંત્રમુગ્ધ બની ગયા હતા. વિસનગરની સૌથી મોટી અને અદ્યતન નૂતન જનરલ હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના નેજા હેઠળ મહારક્તદાન શિબિર પણ યોજાઇ હતી. સર્વરોગ નિદાન કેમ્પમાં આશરે ૨૫૦ જરૂરીયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં સંજીવની રથ ટીમ દ્વારા મહિલાઓ માટે ગર્ભાશયનું કેન્સર, સ્તનના સ્ક્રીનીંગ કરી જાણકારી આપી તેનું નિદાન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં આશરે ૫૦૦ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.
નાયબ મુખ્યંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સાયન્સ કાર્નિવલ ૨૦૧૮ના આયોજને સાંકળચંદ પટેલ યુનિવર્સિટીને ગૌરવ અપાયું છે. સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પ સહિત વિજ્ઞાન, ટેકનોલોજી અને આરોગ્યક્ષેત્રના સુંદર કાર્યક્રમ યોજીને સામાજિક પ્રવૃતિઓને બળવત્તર બનાવી છે.
સાંસદ જયશ્રીબેન પટેલે મિસાઇલમેન અને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામને યાદ કરીને જણાવ્યું હતું કે તેઓએ સાયન્સ ટેકનોલોજીને મહત્વ આપ્યું હતું. વિશ્વના યુવા દેશ એવો ભારત દેશના યુવાધનને વૈજ્ઞાનિક ક્ષેત્રે આગળ વધે તે માટે પ્રોત્સાહિત કરવા સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીથી વાકેફ કર્યા હતા.
આ પ્રસંગે વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલ, પૂર્વધારાસભ્ય નારાયણભાઇ પટેલ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઇ પટેલ, રજિસ્ટ્રાર પરિમલ ત્રિવેદી, મહેસાણા જિલ્લા પ્રભારી સચિવ ધનંજ્ય દ્વિવેદી, જિલ્લા કલેકટર એચ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી મનોજ દક્ષિણી, સામાજિક અગ્રણી સોમભાઇ મોદી સહિત નાગરિકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.