વેકેશનમાં શાળા-કોલેજામાં ચોરી રોકવા વિવિધ પગલાં

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : દિવાળીના તહેવાર અગાઉ અમદાવાદ સહિત અનેક શહેરમાં ચોરી અને લૂંટના બનાવો બને છે. આવા ચોરી અને લૂંટફાટના બનાવો ન બને તે માટે રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ પોલીસને આદેશ આપતો એક પરિપત્ર કર્યો છે. ખાસ કરીને દિવાળી વેકેશન દરમ્યાન શાળા અને કોલેજો બંધ હોય છે, જેનો ફાયદો ઉઠાવી અને તસ્કરો ચોરી કરતા હોય છે. તેથી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ચોકીદાર કે સીકયોરીટી ગાર્ડ રાખવા ઉપરાંત પોલીસને મધ્યાહન ભોજન યોજનાના સામાનની ચોરી ના થાય તે માટે તકેદારી રાખવાની કડક તાકીદ કરાઇ છે.

શાળા અને કોલેજોમાં ચોરી અટકે તે  માટે શૈક્ષણિક સંસ્થાઓમાં પોલીસ અધિકારીઓને જે તે વિસ્તારના શાળા-કોલેજના આચાર્ય અને પ્રિન્સિપાલો સાથે મિટિંગ કરીને સુરક્ષા અંગે ચર્ચા કરવા પોલીસવડાએ આદેશ આપ્યો છે. શાળામાંથી કમ્પ્યૂટર, ટીવી અને મધ્યાહ્ન ભોજનના સામાનની ચોરી ન થાય તે માટે તેને સુરક્ષિત સ્થળે રાખવા જણાવ્યું છે અથવા શૈક્ષણિક સંસ્થાઓમાં સિક્યોરિટી ગાર્ડ અથવા ચોકીદાર રાખવા માટે વ્ય્વસ્થા કરાવવા આદેશ આપવામાં આવ્યા છે. અપૂરતી અને ખામીયુક્ત સુરક્ષાને લઇ તેઓ સાથે ચર્ચા કરવા જાણવામાં આવ્યું છે. તહેવારમાં બેન્ક, એટીએમ, આંગડિયા પેઢી પરથી નાણાંના વ્યવહાર વધુ હોય છે માટે હોક બાઇક, પીસીરઆર વાન અને ડી સ્ટાફના માણસોને સાદા કપડામાં તહેનાત રાખવા, સ્પીડ બાઇક પર ડબલ સવારીમાં મોઢે રૂમાલ બાંધીને ચહેરો છુપાવવાનો પ્રયાસ કરતા હોય તેવા લોકોની અવશ્ય તપાસવા, ધર્મસ્થાનો આસપાસ ફટાકડા ફોડવા દરમિયાન હિન્દુ-મુસ્લિમ વૈમનસ્ય ન સર્જાય તે માટે સંવેદનશીલ વિસ્તારમાં વિશેષ તકેદારી રાખવી,

હોટલ, ગેસ્ટ હાઉસ ઉપરાંત મોટા રસ્તાને જોડતા નાકા પર વાહન ચેકિંગ કરી શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા આદેશ અપાયા છે. શહેરના પૂર્વ વિસ્તાર એટલે કે સેક્ટર-ર પોલીસે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી ભીડભાડવાળા વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. મુખ્ય બજાર અને સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે સતત પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. લૂંટના બનાવ ન બને તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. તો, શાળા-કોલેજ સત્તાવાળાઓએ પણ હવે ડીજીપીના પરિપત્રને પગલે અગમચેતીના પગલાં લેવા પડશે.

Share This Article