નેયપાયતાવ : વિનાશક ભૂકંપમાંથી બહાર નીકળવામાં મદદ કરવા માટે માનવતાવાદી યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, મ્યાનમાર જુન્ટાના હવાઈ હુમલામાં એક શાળા પર હુમલો થયો હતો, જેમાં 20 બાળકો સહિત 22 લોકો માર્યા ગયા હતા. મ્યાનમારની સેનાએ આ હુમલાને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલેથી 115 કિમી દૂર સગાઈંગ વિસ્તારના એક ગામમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સ્થાનિકોનો દાવો છે કે ફાઇટર જેટ દ્વારા શાળા પર બોમ્બવર્ષા કરાઇ. આસપાસના ત્રણ ઘરોમાં પણ ભારે નુકસાન થયું.
નેશનલ યુનિટી ગવર્નમેન્ટના પ્રવક્તા નાએ ફોન લેટે જણાવ્યું છે કે સેના જાણી જાેઇને શાળા, હોસ્પિટલ અને મઠ જેવી જગ્યાઓ પર હુમલા કરે છે. સેના દ્વારા ખોટા દાવા કરવામાં આવે છે કે અહીં બળવાખોરો છૂપાયેલા છે. પરંતુ તેમનો ધ્યેય લોકોને ડરાવીને રાખવાનો છે.
વર્ષ 2021માં ફેબ્રુઆરી મહિનામાં મ્યાનમારમાં સેનાએ આંગ સાન સૂની સરકારને ઉથલાવીને સત્તા છીનવી લીધી હતી. તે બાદથી જ સેના સત્તા ટકાવી રાખવા માટે બળવાખોરો વિરુદ્ધ સતત કાર્યવાહી કરે છે.