અમદાવાદ : ગુજરાતમાં એફઆરસી મામલે અમદાવાદની ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલે ૩૨ વિદ્યાર્થીઓના પ્રવેશ અટકાવી દીધા હતા. જેને પગલે મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. જેમાં જÂસ્ટસ એસ.એ.બોબડે અને અબ્દુલ નઝીરની ખંડપીઠે સ્કૂલને તાકીદ કરી હતી કે તમે વેપારી નહીં શૈક્ષણિક સંસ્થા છો એવી ગંભીર અને માર્મિક ટકોર કરીને શાળાના ૩૨ વિદ્યાર્થીઓને પરત લેવા આદેશ આપ્યો હતો. સુપ્રીમની રાહત બાદ એકઠા થયેલા વાલીઓએ જણાવ્યું હતું કે, આ અમારી મોટી જીત છે. છેલ્લા બે વર્ષથી લડાઈ લડી રહ્યાં હતાં. ગુજરાત સરકાર અને સુપ્રીમ કોર્ટનો આભાર માનીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, સ્કૂલની મનમાની સામે વાલીઓ શિક્ષણમંત્રીને મળ્યા હતા પરંતુ તેમણે સુપ્રીમના ચુકાદાની રાહ જોવા કહ્યું હતું. ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા એફઆરસીની જગ્યાએ નિયત ફી ભરી દેવા માટે વાલીઓને ફી ચૂકવવા માટે જાણ કરી હતી અને બાળકોને લઈ જવા જાણ કરી હતી. વાલીઓ સ્કૂલ પહોંચતા તેમને અંદર પ્રવેશવા દેવાયા ન હતા. બાળકોને એક રૂમમાં પૂરી દીધા હતા અને સ્કૂલ છૂટવાના સમયે બહાર જવા દીધા હતા. બાળકોને ફી ભરવા માટે ધમકાવ્યા હતા જેથી બધા બાળકો ભયભીત થયા હતા. ફી રેગ્યુલેટરી કમિટી (એફઆરસી) સમક્ષ સુનાવણીમાં ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના વાલીઓની જીત થઈ હતી. એફઆરસીએ ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલનો ઉધડો લઈ બાળકોને સ્કૂલમાં અભ્યાસ કરાવવા અને એફઆરસીએ નક્કી કરેલી ફી લેવા જણાવ્યું હતું. જો સ્કૂલ તે મુજબ ફી નહીં સ્વીકારે તો તેમની સામે પગલાં લેવાની ચીમકી આપવામાં આવી હતી. સાથે જ જણાવ્યું હતું કે, ૧૮ મહિના સુધી એફઆરસીમાં ગયા વગર શાળા ફી માગે તે ગંભીર બાબત છે.
ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના એફઆરસીના આદેશને ઘોળીને પી ગઈ હતી. સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ ન આપતા વાલીઓએ હોબાળો કર્યો હતો. વાલીઓને એડમિશન રદ થઈ ગયા હોવાથી પ્રવેશ આપવાનો ઈન્કાર કર્યો હતો. વાલીઓએ સ્કૂલ પાસે એફઆરસીના હુકમને નહીં માની બાળકોને પ્રવેશ નહીં આપીએ તેવી લેખિતમાં માંગ કરી છે. સ્કૂલની મનમાની બાદ વાલીઓ મુખ્યમંત્રીને મળવા કોબા સ્થિત કમલમ્ દોડી ગયા હતા. જો કે તેમણે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાને મળીને જ સંતોષ માનવો પડ્યો હતો. ત્યારબાદ વાલીઓ તા.૧૦મીએ સવારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મળ્યા હતા પરંતુ તેમણે સુપ્રીમ કોર્ટની સુનાવણી સુધી રાહ જોવા કહ્યું હતું. સુપ્રીમના આદેશ બાદ સ્કૂલ સામે પગલા લેવાશે કે કેમ તેની કોઈ સ્પષ્ટતા કરી ન હતી. જા કે, આજે સુપ્રીમકોર્ટે વાલીઓને બહુ મોટી રાહત આપી હતી અને ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલને તમામ બાળકોને પરત લેવા મહત્વનો આદેશ કર્યો હતો.