નેપાળની રાજધાની નજીક એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો જેમાં કાઠમંડુથી 20 કિલોમીટર દક્ષિણમાં દક્ષિણકાલી નગરપાલિકાના ફારપિંગ વિસ્તારમાં એક સ્કૂલ બસ પહાડી પરથી નીચે પડી ગઈ હતી, આ અકસ્માત મામલે પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક સ્કૂલ બસ પહાડી રોડથી 150 મીટર દૂર પડી ગઈ. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે વાહનના 35 વર્ષીય ડ્રાઈવર અને એક આઠ વર્ષના છોકરાનું મોત નીપજ્યું હતું, જ્યારે બસ રસ્તા પરથી 150 મીટર દૂર પડતાં 41લોકો ઘાયલ થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં 3 થી 12 વર્ષની વયના 41 વિદ્યાર્થીઓ અને એક શિક્ષક મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતમાં કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. મૃત્યુ પામેલા બે લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, સામાન્ય ઈજાઓવાળા આઠ વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે બાકીના ૩૨ વિદ્યાર્થીઓ અને શિક્ષકને કાઠમંડુની અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ બનાવથી ખળભળાટ મચી ગયો હતો. ઘટનાસ્થળે પહોંચેલી રેસ્ક્યુ ટીમે ભારે જહેમતથી લોકોને બહાર કાઢ્યા, ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.
આ અકસ્માત થવાનું કારણ હાલ જાણી શકાયું નથી પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બસનું સંતુલન ખોરવાઈ જવાને કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને બસ પહાડી પરથી નીચે પડી ગઈ. જો કે, પોલીસ દ્વારા તે પણ તપાસ કરવામાં આવી રહ્યું છે કે વાહન વધુ સ્પીડમાં જઈ રહ્યું હતું જેના લીધે આ અકસ્માત સર્જાયો.