નવીદિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે ફરી એકવાર આમ્રપાલી ગ્રુપને ફટકાર લગાવી હતી. ફ્લેટ ખરીદદારો અને આમ્રપાલી ગ્રુપ વચ્ચે ચાલી રહેલા મામલામાં સુપ્રીમ કોર્ટે આમ્રપાલીમાંથી કરોડો રૂપિયા ખોટી રીતે બીજાના ખાતામાં ટ્રાન્સફર કરવાના મામલામાં પ્રશ્નો કર્યા હતા.
સુપ્રીમ કોર્ટે આમ્રપાલી ગ્રુપને પ્રશ્ન કર્યો છે કે, તેમની પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા છે અને કયા નિયમ હેઠળ કરવામાં આવેલા કામ માટે આ પૈસા કઈ કંપનીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે આજે મામલાની સુનાવણી કરતી વેળા આમ્રપાલી ગ્રુપના નિર્દેશકોને ચેતવણી આપી હતી કે, તેઓ કોર્ટની સાથે વધારે સાવધાનીપૂર્વકનું વર્તન દર્શાવવાના પ્રયાસ ન કરે. જો ગેરરીતિ આચરવામાં આવશે તો તેમને બેઘર કરી દેવામાં આવશે.
આમ્રપાલીના નિર્દેશકોને કેહવામાં આવ્યું છે કે, તેમની છટકબારી ચાલી શકશે નહીં. સુપ્રીમ કોર્ટે આમ્રપાલી ગ્રુપના નિર્દેશકોને એવી ચેતવણી પણ આપી છે કે તે પેન્ડિંગ રહેલી રિયલ એસ્ટટ યોજનાઓના નિર્માણની ખર્ચ વસુલી માટે તેમની તમામ સંપત્તિને વેચી શકે છે. કોર્ટે ૧૫ દિવસની અંદર આમ્રપાલી ગ્રુપના નિર્દેશક અને અન્યોની સંપત્તિઓના સંદર્ભમાં માહિતી આપવા પણ કહ્યું છે.
આમ્રપાલીની યોજનાઓ ઉપર નજર રાખનાર કંપનીઓ અને તેમની સાથે જાડાયેલી મૂડીના સંદર્ભમાં માહિતી માંગવામાં આવી છે. એટલું જ નહીં કોર્ટે વર્તમાન મૂડીરોકાણકારોની સાથે ૨૦૦૮થી હજુ સુધી કંપની છોડી ચુકેલા અધિકારીઓના સંદર્ભમાં પણ માહિતી માંગી છે.
ત્યારબાદ કોર્ટે કઠોર શબ્દોમાં પ્રશ્નો કર્યા છે કે, કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. આ નાણા ક્યાં જતાં રહ્યા છે. કયા રુપમાં આપી દેવામાં આવ્યા છે. આમ્રપાલી ગ્રુપ ઉપર સકંજા દિનપ્રતિદિન વધુ મજબૂત કરવામાં આવી રહ્યો છે અને તેમના બિલ્ડરો ઉપર પણ તવાઈ વધી છે.