સવાલ શ્રીજીને…

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

વૈષ્ણવસંપ્રદાયની હવેલીમાં સવારે શ્રીનાથજીના મંગલા દર્શન થતાં, હું દોડીને દર્શનની પડાપડીવાળા  ટોળાંમાં ઊભો રહ્યો, મારો નંબર આવ્યો અને શ્રીનાથજીએ તેઓ ની આંખો ઉઘાડી અને મને કહ્યું કેમ છો? હું જરાક ડર્યો, આજુબાજુ જોયું તો બધા જ આંખો બંધ કરીને જેની આરાધના કરતાં હતા તે શ્રીજી મારી સામે આંખો ઉઘાડીને મારી સામે વાતો કરે છે એ બાબતે અચરજ થયું. પછી શું? પછી તો હું પણ નીડરતાથી એમની સામે ઉભો રહ્યો અને એમના પ્રશ્નના જવાબ સ્વરૂપે ‘મજામાં’  કહી દીધું, ઘણી જ દ્વિધા માં હતો ત્યાં એમણે મને પુછ્યું કે શું મુંજવણમાં છે? કાંઇ પ્રશ્ન છે? પ્રશ્ન હોય તો બોલ હમણાં જ નિવેડો લાવી દઉં.

હું સહજતાભાવે ત્યાંજ ઉભો રહ્યો અને કીધું પ્રભુ આપ તો અંતરયામી છો, આપણાથી કાંઇ છુપું હોય ખરું?  પ્રશ્ન તો બહુ છે પણ તમે જવાબ આપશો ખરા? શ્રીજી ખડખડાટ  હસી પડ્યા અને કીધું કે ‘પહેલા તું પુછતો ખરા’ મેં પ્રશ્નોની પ્રશ્નાવલી મનોમન તૈયાર કરી અને એમને કીધુંકે પહેલા મારા પ્રશ્નો સાંભળીલો અને પછી બધા જ પ્રશ્નોના એક પછી એક જવાબ આપજો. શ્રીજી મારી વાત સાથે સહમત  થયા અને પછી સમગ્ર દુનિયા જે પ્રશ્નો ભગવાનને પૂછવા માંગે છે એવા માંથી કેટલાક કોમન પ્રશ્નો મેં શ્રીજીને પૂછ્યા. સવાલો કઈંક આ પ્રમાણે હતા,

  1. હે પ્રભુ, તમે માણસમાં માનો છો?
  2. હે શ્રીજી, તમને મનાવવા કેમ પડે છે? શું તમે અમારાથી રિસાઈ જાવ છો?
  3. હે વાસુદેવ, તમારી આરતીનો કોઈ ટાંણો અમે ચૂકી જઇએ તો તમે અમને શું સજા કરો.?
  4. હે દ્વારકાધીશ, તમને જે લોકો ચાહે છે તે માણસો માંથી પણ કેટલાક લોકો દુ:ખી હોય છે તો , હે નાથ સુખી માણસ કોને કહેવાય?
  5. હે બંસીધર, તમારી આજ્ઞા વિના પાંદડું પણ ફરકતું નથી તો અમે કરેલી ભૂલોમાં અમને જે સજા મળે છે તેમાં તમારો ભાગ બને કે નહીં?
  6. હે રાધેય, ઉપવાસ કરવાથી આત્માનું કલ્યાણ થાય તો બધા જ ગરીબ અને દરિદ્ર એવાં લોકો મહિનાઓથી ભૂખ્યા છે તો શું તેઑને સ્વર્ગ મળશે ખરા?
  7. હે કાનજી, તમે તો તુલસીપત્રથી પણ તોલાઈ જતાં હોવ છો તો મંદિર ની 52 ઘજની ધજા નો તમને ભાર નથી લાગતો?
  8. હે કનૈયા, તમને રોજ મીસરી, માવા, અને પાનાનાં બિડા જ ભાવે છે ? ક્યારેય મેનૂ ચેન્જ કરવાની ઇચ્છા નથી થતી??.
  9. હે નટવર, તમારા જ મંદિરમાં જ્યારે કોઈ વ્યક્તિ નિર્દોષ ભક્તને છેતરતો  કે તમારા નામે લૂંટતો હોય ત્યારે મુર્તિમાંથી બહાર આવીને સત્ય પ્રગટ કરવાની તમને ઈચ્છા થાય ખરી??
  10. હે શ્યામ, આજે કરેલી ભક્તિનું ફળ છે….ક આવતા જન્મે મળવાનું છે તો એવી ધીરજમાં તમે માનો છો?
  11. હે મુરલીધર, કોઈ ગરીબ, નિર્ધન તેના કર્મોની સજા ભોગવતો હોય છે ત્યારે તમે કેવી લાગણી અનભવતા હોવ છો??
  12. હે મનોહર, તમને ક્યારેય રડું આવે છે? તમને ક્યારેય ગુસ્સો આવે છે?
  13. હે લાલજી, સમગ્ર જગતના મંદિરોમાં તમે સ્થિતપ્રગ્ન થઈ ને ઊભા હોવ છો, તો તમને ક્યારેય થાક લાગે છે?
  14. હે શ્યામસુંદર, તમે ક્યારેય અમારી જેમ ઉદાસ થાવ ખરા?

સવાલ છેલ્લો પણ અગત્યનો .,

  1. હે દામોદર, અમારે કોઈ ચીજવસ્તુ જોઈતી હોય તો અમે તમારી પાસે માંગીએ છીએ તો પ્રભુ તમારે કોઈ વસ્તુ જોઈતી હોય તો તમે કોની પાસે માંગો છો?

સવાલોની લાંબી હારમાળા હજી ચાલુ જ હતી ત્યાં તો ભગવાન આંખો બંધ કરીને અંતરધ્યાન થઈ ગયા, મેં મોટેથી બૂમ પાડી, હે… પ્રભુ!, હે… શ્રીજી!. ક્યાં ગયા તમે? એમ કેવી રીતે તમારાથી જતું રહેવાય? મારા પ્રશ્નોના જવાબ આપ્યા વગર તમે ના જઇ શકો , હે શ્રીનાથજી મારા સવાલોના જવાબ આપો, પ્રભુ, ક્યાં છો તમે? ક્યાં છો તમે??

ત્યાંતો કોઇએ મારૂ બાવડું પકડીને મને જોરથી હલાવ્યો અને મેં આંખો ખોલીને જોયું તો સામે મારી બા ઊભી હતી, મને કહેવા લાગી, ભાઈ સવાર થઈ છે, હવેલીએ મંગલા દર્શન કરવા નથી જાઉં? ત્યારે મનોમન કીધું કે ‘બા’ તારા શ્રીજીએ તો તારા  લાલને ક્યારનાય દર્શન આપી દીધા, બસ જવાબ આપવાના બાકી છે, અને ત્યાર પછી જ્યારે પણ મંદિરની પ્રતિમા સામે ઊભો રહું છુ ત્યારે શ્રીજીની આંખોથી આંખો મિલાવીને વિનવું છુ કે હે! દામોદર ફરી એક વાર આંખો તો ખોલો, મારા સવાલોના જવાબ તો આપો, પણ શ્રીજી તો મંદમંદ હસે છે પણ કશું જ બોલતા નથી , અને હું ભીડના ધક્કાભેર મંદિરની બહાર આવી જાઉં છુ. એમના જવાબો આપવાની તરકીબ જુદી છે અને મને પરોક્ષ રીતે ઘણા ખરા જવાબ મળ્યા પણ છે, પણ છતાં મારે રૂબરૂ જવાબ જોઈતા હતા તે સમયની રાહ જોવું છું.

Share This Article