સમગ્ર સૃષ્ટિમાં સેવા, સમર્પણ અને સદાચારનાં બીજ વાવનાર સ્વામી સહજાનંદ ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં ભવ્ય શિખરબંધ મંદિરનું સર્જન કરી રહ્યા છે. ગામે-ગામથી સંતો-ભક્તો મંદિરની સેવા કરવા ઉમટી પડ્યા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન દાદાખાચરના દરબારમાં લીંબડાનાં ઝાડ તળે ભક્તોની વચ્ચે બિરાજમાન છે. પ્રેમીભક્તો અનેરા અવસરની અમૂલ્ય સેવાનો લાભ લેવા પોતાની યથાશક્તિ અનુસાર દાન, ધર્માદો લખાવી રહ્યા છે. સો, બસો, પાંચસો કે હજારના આંકડામાં બોલી બોલાઈ રહી છે.
શ્રીજી સહુને અમી દ્રષ્ટિથી નિહાળી રહ્યા છે ત્યાં છેવાડેથી એક અતિ દરિદ્ર વૃદ્ધ પણ પ્રભુ પ્રતિ અગાધ પ્રેમવાળા ભક્તજન સભા મધ્યે પ્રભુ પાસે આવીને કહેવા લાગ્યા કે, હે પ્રભુ ! મને પણ મંદિરની સેવા કરવાનો લાભ આપો. શ્રીજીએ પ્રેમથી હસતાં-હસતાં કહ્યું કે, દુબળી ભટ્ટ તમારી ભાવના સારી છે પણ સેવા કરવા માટે તમારી પાસે શું છે ?
ત્યારે દુબળી ભટ્ટ કહે કે, પ્રભુ મારી પાસે જે કંઈ પણ છે તે તમામ તમોને અર્પણ કરવા માંગું છું એમ કહીને ગાંઠો અને થીગડાંવાળી પાઘડી માથેથી ઉતારીને પાઘડીમાં વાળેલી ગાંઠો એક પછી એક ખોલતાં-ખોલતાં તેમાંથી તેર પૈસા નીક્ળ્યા. જે દુબળી ભટ્ટે હરખાતાં હૈયે હાથમાં લઈને પ્રભુના ચરણમાં ધર્યા અને કહ્યું કે હે ! પ્રભુ મારા જીવનની આ બચાવેલી પૂંજી છે તે સમગ્ર આપના ચરણે અર્પણ કરું છું.
સભામાં સન્નાટો વ્યાપી ગયો. પ્રભુએ કહ્યું દુબળી ભટ્ટ આ તમારી પાઘડી ફાટી ગઈ છે તો આ પૈસામાંથી નવી લાવજો. તમારી સેવા અમને આવી ગઈ. ત્યારે દુબળી ભટ્ટ કહે, પ્રભુ હવે આ આયખુંય ઘસાઈ ગયું છે તેને માથે નવી પાઘડી કે જુની પાઘડી શું ફરક પડવાનો છે પણ આવી સેવાનો લાભ મને ફરી ક્યારે મળશે માટે મારી આ સેવાનો પ્રભુ આપ સ્વીકાર કરો. પ્રભુ પાટ ઉપરથી ઊભા થયા અને દુબળી ભટ્ટના તેર પૈસાનો સ્વીકાર કરી તેમને પ્રેમથી બાથમાં લઈને ભેટ્યા અને કહ્યું કે, હવે અમારું મંદિરનું કાર્ય પૂર્ણ થઈ જશે. ત્યારે સભામાં બેઠેલા ધનિક ભક્તોના મનમાં ગણગણાટ થવા લાગ્યો કે તેર પૈસામાં મંદિર પૂરું થઈ જશે.
અંતર્યામી પ્રભુએ ભક્તજનોના મનની મૂંઝવણ કળી ગયા અને કહ્યું કે ભક્તજનો તેર પૈસા બહુ મોટી ચીજ નથી પણ તેમની સમર્પણની ભાવના અનેરી છે. જેની પાસે કંઈ જ નથી છતાં પણ સર્વસ્વ સમર્પણ કરી દેવાની જેના દિલમાં તમન્ના છે તેના તેર પૈસા સમગ્ર સૃષ્ટિની સંપત્તિ કરતાં અધિક છે. અમે આવા સર્વસ્વ સમર્પણ કરનારા ભક્તોની ભાવનાને આદરથી સન્માનીએ છીએ.
– શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી કુમકુમ