સર્વજીવહિતાવહ શિક્ષાપત્રી ગ્રંથ
એકવાર એક વ્યક્તિ હોકાયંત્ર સાથે અરીસો જાડીને તેને વેચવા નીકળ્યો. રસ્તે પસાર થતા એક વટેમાર્ગુએ આ જાયું. અને આશ્ચર્ય પામી પૂછ્યું, તમે આ હોકાયંત્ર સાથે અરીસો કેમ જડ્યો છે ? ત્યારે વેચનારાએ કહ્યું, હોકાયંત્ર ભૂલેલાને દિશા બતાવવા માટે છે, અને અરીસો કોણ ભૂલું પડ્યું છે તે બતાવવા માટે છે દ્રષ્ટાંત નાનું છે પણ ખૂબ માર્મિક છે.
હું ભૂલો પડ્યો છું. એવું ભાન વ્યક્તિને થાય પછી હોકાયંત્ર વાપરવાની વાત આવે છે.
આજે અરીસા સાથેનું એ હોકાયંત્ર માણસ માત્રને પકડવાની જરૂર છે. ભૂલો પડ્યો છે તેનું ભાન જેટલું વહેલું થાય તેટલું હિતમાં છે. આજે મનુષ્યનો આચાર જુઓ કે વિચાર, આહાર જુઓ કે વિહાર બધી જ રીતે દિશમોડ થયેલો છે. આવા દિશમોડ બનેલા જીવો ઉપર દયા કરીને શ્રી સ્વામિનારાયણ ભગવાને સંવત ૧૮૮૨ ના મહાસુદ પંચમી – વસંતીપંચમીએ શિક્ષાપત્રી લખીને સાચી દિશા બતાવવા માટે આચાર સંહિતા આપી છે.
– શિક્ષાપત્રી એટલે કળિયુગમાં અલ્પબુદ્ધિ, અલ્પશક્તિ, અલ્પ આયુષ્યવાળા માનવી માટે ગાગરમાં સાગર સમો ઉપકારક ઉત્તમ ગ્રંથ.
– શિક્ષાપત્રી એટલે અધર્મસર્ગ સામે રક્ષા કરનાર ૨૧૨ આજ્ઞારૂપી આરાનું સુદર્શનચક્ર.
– શિક્ષાપત્રી એટલે સત્શાસ્ત્રોના સાગરજ્ઞાનને ગાગરમાં સમાવતી આચાર સંહિતા.
– શિક્ષાપત્રી એટલે અમૂલ્ય આધ્યાત્મિક ખજાનાની ખાણ.
– શિક્ષાપત્રી એટલે સંસારરૂપી ભવાટવીમાં ભગવાનથી ભૂલા પડેલાની રાહદર્શી.
– શિક્ષાપત્રી એટલે જગતના પંચ વિષયના વિષથી બચવા માટેની સંજીવની.
– શિક્ષાપત્રી એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ. આવી મહામૂલ્ય શિક્ષાપત્રીમાં કુલ ૨૧૨ શ્લોકો છે. એક એક શ્લોકો અગત્યના છે. એક એક શ્લોકમાંથી નવું નવું શીખવા મળે છે. જ્ઞાન ઉપદેશ મળે છે. તો આ શિક્ષાપત્રીમાંથી આપણે ૩૬મા શ્લોક અંગે વિચારી તેમાંથી સદ્બોધ લઈએ.
સંસ્કૃત સાહિત્યમાં ઉપમા અલંકાર માટે મહાકવિ કાલીદાસ અજાડ ગણાય છે, શબ્દ લાલિત્ય માટે બાણ કવિ અજાડ ગણાય છે, પણ અર્થ ગૌરવ માટે તો કવિ ભારવીનો જાટો જડે તેમ નથી. તેઓ પોતાનું જીવન ભારે આર્થિક ભીંસમાં ગુજારતા હતા.
એક દિવસ એમણે સુંદર ભાવ અને અર્થ દાખવતો એક શ્લોક બનાવ્યો અને પત્નીને આપ્યો. કવિ પત્ની પણ વિદુષી હતી. શ્લોક વાંચીને એ પણ ખુશ થઈ ગઈ. રાજસભામાં જઈને એક શ્લોક સાદર રાજા પાસે રજૂ કરવા વિનંતી કરી.
ભારવિ કવિએ પત્નીની ઈચ્છા મુજબ તે શ્લોક રાજા આગળ જઈને બતાવ્યો. શ્લોકનું અર્થ ગાંભીર્ય સમજીને રાજા અતિ પ્રસન્ન થયો. એણે પુરસ્કાર તરીકે એક લાખ રૂપિયા આપ્યા. પછી રાજાએ ચાર પાટિયાં મંગાવીને તે શ્લોક સુંદર મોટા સોનેરી અક્ષરોમાં લખાવ્યો, અને પછી પોતાના મહેલના સભાખંડ, મંત્રણાખંડ, ભોજનખંડ અને શયનખંડમાં એક-એક પાટિયું તરત જ નજરે પડે એવી જગ્યાએ લટકાવવાનો હુકમ કર્યો. થોડા દિવસો બાદ રાજા કામ પ્રસંગે બહારગામ ગયા. ત્યાં કામ ધારવા કરતાં વહેલું પૂરૂં થયું એટલે મૂળ કાર્યક્રમ કરતાં એ ઘણા વ્હેલા રાજધાનીમાં પાછા ફર્યો. રાજધાનીમાં એ લગભગ મધ્યરાત્રિએ પહોંચ્યા. રાજમહેલમાં જઈને એ સીધા પોતાના શયનખંડમાં ગયા. પણ ત્યાં એમણે જે દૃશ્ય જાયું તેથી એમને રોમે રોમમાં ક્રોધ વ્યાપી ગયો. પલંગમાં એમની રાણી સૂતી હતી અને એની પડખે એક પુરુષ સૂતો હતો. એ કોઈ પર પુરુષ છે. અને રાણી બદચાલની છે એવું અનુમાન કરીને રાજાએ બંનેની એક જ ઝાટકે હત્યા કરવા માટે કમરે લટકતી મ્યાનમાંથી જારથી તલવાર ખેંચી કાઢી. દીવાના પ્રકાશમાં તરવારના ઝબકારાનો એક તેજ લિસાટો પલંગ પાસેની ભીંત ઉપર લટકાવેલા પેલા શ્લોકવાળાં પાટીયાં ઉપર પડ્યો અને બીજા ઓળો પલંગમાં સૂતેલી રાણીની આંખ ઉપર પડ્યો. તેજના કારણે પાટિયાં ઉપર લખાયેલા સોનેરી અક્ષર વધુ મોટા અને આકર્ષક લાગતા હતા. રાજાએ સ્વાભાવિક રીતે જ મનોમન પાટિયાં ઉપર લખેલો શ્લોક વાંચ્યો કે,
सहसा विदधीत न क्रियामविवेकः परमापदापदम् |
वृणुते हि विमृश्यकारिणं गुणलब्धा स्वयमेव संपद : ||
‘‘કોઈ પણ કાર્ય પૂરો વિચાર કર્યા વિના સહસા, એકદમ ઉતાવળથી ન કરવું, કારણ કે, અવિવેક એટલે અવિચારીપણું એ આપત્તિ માત્રનું કારણ છે. જે વિવેકથી વિચાર કરીને કામ કરે છે તેને જ સંપત્તિ વરે છે. કારણ કે સંપત્તિ વિવેકાદિ સદ્ગુણોને સ્વભાવત: વરેલી હોય છે.’’ વિદ્વાન રાજાના મનમાં શ્લોકનો શબ્દાર્થ અને સંકેતાર્થ બંને સ્ફૂર્યા કે તરત જ વીજળીના ઝબકારાની માફક એના મનમાં વિચાર ઝબક્યો કે, ‘‘તું વેગવશ બનીને આ બંનેની હત્યા કરવા તૈયાર થયો છે પણ પલંગમાં સૂતેલો પુરુષ કોણ છે તેની તપાસ કરી છે ખરી ?’’ આ વિચાર આવતાં જ તરવારનો પ્રહાર કરવા માટે ઉગામેલો એમનો હાથ એ જ ક્ષણ માટે અધ્ધર થંભી ગયો. બરાબર એ જ ક્ષણે, આંખ ઉપર પડેલા તેજના ઓળાના કારણે રાણી ઝબકીને જાગી. જાગતાં જ એણે પલંગ પાસે રૂદ્રરૂપ ધારણ કરીને પતિને ઊભેલો જાયો. એણે રોજની ટેવ મુજબ આવકાર આપતાં શબ્દો ઉચ્ચાર્યા, મહારાજ આપ…પણ આગળ કંઈ બોલે તે પહેલાં જ સદ્ભાગ્યે એની નજર પતિ એ પ્રહાર કરવા ઉગામેલા હાથમાં ચમકી રહેલી ખુલ્લી તલવાર પર પડી. ચતુર રાણી રાજાના રૂદ્રરૂપનું કારણ તરત જ કળી ગઈ. ક્ષણનો પણ વિલંબ કર્યા વિના એણે પલંગમાં સૂતેલા પોતાના પુત્રને જલ્દીથી ઢંઢોળ્યો અને બોલી, વિરૂ મહારાજ પધાર્યા છે ! રાણીના આ પુત્રનું નામ વિરેન્દ્રસિંહ હતું. વિદ્યાભ્યાસ અર્થે એ નાલંદા મહાવિદ્યાલયમાં રહેતો હતો. માતાએ સ્નાન કરાવીને, અતિ પ્રેમથી જમાડ્યો હતો અને પછી પલંગમાં પોતાની પડખે સુવાડ્યો હતો. વિરૂ નામ સાંભળતાં જ રાજા એક ડગલું પાછો હઠી ગયો. પણ બેટા વીરુ ! તું ક્યારે આવ્યો ? એવું બોલતાં- બોલતાં, આંખમાં હર્ષ અને શોકના આંસુ સાથે રાજા પલંગ તરફ દોડ્યો અને અતિ પ્રેમથી પુત્રને ભેટી પડ્યો.
થોડીવારે શાંત થયા પછી એણે રાણીને કહ્યું : દેવી! પેલા પાટિયા ઉપર લખેલા શ્લોકના શબ્દોએ જ તમારા બંનેના પ્રાણની રક્ષા કરી છે, તે સાથે જ મારા જીવનની પણ રક્ષા કરી છે. મેં એ શ્લોક માટે એક લાખ રૂપિયા પુરસ્કાર તરીકે આપ્યા છે. તે ઘણા ઓછા કહેવાય. રાજાએ એજ વખતે કવિ ભારવીને રાજકવિ તરીકે નિયુક્તિ કરવાનો આદેશ આપ્યો.
ભારવિ કવિએ આ વાત ચાર ચરણમાં કહેલી છે તે વાત અમૂલ્ય સૂત્ર રૂપે શિક્ષાપત્રીના ૩૬ માં શ્લોકના માત્ર એકજ ચરણમાં અને ખૂબ સુંદર અને સરળ શબ્દોમાં કહેલી છે.
कार्य न सहसा किंचित्कार्यो धर्मस्तु सत्वरम् |
पाठनीयाडधीतविद्या कार्य: संगोडन्वहं सताम् ||
વિચાર્યા વિના તત્કાળ કોઈ કાર્ય ન કરવું, અને ધર્મ સંબંધી જે કાર્ય તે તત્કાળ કરવું, અને પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ, તે બીજાને ભણાવવી, અને નિત્યે પ્રત્યે સાધુનો સમાગમ કરવો.
તેથી જ આજે આ શિક્ષાપત્રી ગરીબના ઝુંપડાંથી માંડીને ઇંગ્લેન્ડમાં આવેલ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પણ સંગ્રહિત કરવામાં આવી છે. આ શિક્ષાપત્રી શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે અંગ્રેજ અધિકારી સરમાલ્કમને રાજકોટમાં અર્પણ કરી હતી.
આમ, શિક્ષાપત્રીના એક-એક શ્લોક આપણને સત્શાસ્ત્રનો સાર સમજાવે છે. આ શિક્ષાપત્રી આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા મુજબ નિત્ય વાંચીએ અને વિચારીએ અને તે શ્લોકોને અમલમાં મૂકીએ તો આપણું જીવન સુખમય બની જાય.
– શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી