અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિતે ગુજરાતમાં સરદાર સન્માન યાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે. સરદાર સાહેબના વિચારોને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતના ઔતિહાસિક રીતે 1800 કિલોમીટર લાંબી સરદાર સન્માન યાત્રા 11 સપ્ટેમ્બર 2025ને ગુરુવારને બારડોલીથી શરૂ થશે. સરદાર વલ્લભભાઈ પટેલને જે આંદોલન બાદ સરદારની ઉપાધિ મળી તે સ્થળ એટલે બારડોલીથી સોમનાથ સુધી સરદાર સન્માન કાર યાત્રા નીકળશે. રાજ્યના 18 જિલ્લાઓ અને 355થી વધુ ગામડાઓમાં સરદાર સન્માન યાત્રા પરિભ્રમણ કરશે. એકતાના પ્રતિક સમા લોખંડી પુરુષ સરદાર પટેલના વિચારો અને બલિદાનને યાદ કરી રાજ્યના 62 તાલુકાઓમાં વિવિધ સભાઓ કરી લોકો સુધી સરદાર સાહેબના વિચારો પહોંચાડાશે. આ કાર યાત્રા લગભગ 40થી વધુ નદીઓ પાસેથી પસાર થશે. સરદાર સન્માન યાત્રા બારડોલીથી નીકળ્યા બાદ 12 દિવસ સુધી વિવિધ શહેરમાં રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. 1800 કિમી લાંબી સરદાર સન્માન યાત્રાનું 22 સપ્ટેમ્બરના રોજ સોમનાથ ખાતે સમાપન થશે.
સરદાર સન્માન યાત્રા અંગે વાત કરતા વિશ્વઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી.પટેલ જણાવે છે કે સરદાર વલ્લભાઈ પટેલ એ એકતાનું પ્રતિક છે. સરદાર સાહેબ ન માત્ર પાટીદાર પરંતુ સર્વ સમાજના છે. સરદાર સાહેબ ન હોત તો અંખડ ભારતનું નિર્માણ શક્ય નહોતું. સરદાર સન્માન યાત્રાએ સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ છે.
સરદાર સન્માન યાત્રાના સંયોજક ગોપાલભાઈ ચમારડી જણાવે છે કે સરદાર સાહેબના વિચારો આજની યુવાપેઢીમાં આવે અને ઘર-ઘર સુધી સરદાર પટેલના વિચારો પહોંચે તે હેતું સરદાર સન્માન યાત્રાનું આયોજન કર્યું છે. આ કાર યાત્રાથી સરદાર સાહેબને 150મી જન્મજયંતિએ સાચી શ્રદ્ધાંજલિ મળશે
સરદાર સન્માન યાત્રાની આકંડાકીય માહિતી
1. 1800 કિમી લાંબી
2. 18 જિલ્લાઓમાં પરિભ્રમણ
3. 355 ગામડાઓમાંથી પસાર થશે
4. 62 તાલુકાઓમાંથી નીકળશે
5. 12 દિવસ યાત્રા ચાલશે
6. 40 નદીઓ પાસેથી પસાર થશે
રાત્રિ સભાના સ્થળ
1. પ્રથમ દિવસે વરાછા-સુરત
2. દ્વિતિય દિવસે વડોદરા
3. તૃતીય દિવસ કરમસદ
4. ચતુર્થ દિવસ બાપુનગર-અમદાવાદ
5. પાચમા દિવસે મહેસાણા
6. છઠ્ઠા દિવસે સુરેન્દ્રનગર
7. સાતમા દિવસે આંબેડકર ચોક-રાજકોટ
8. આઠમા દિવસે ચમારડી ( અમરેલી)
9. નવમા દિવસે ભાવનગર
10. દસમા દિવસે અમરેલી શહેર
11. અગિયારમો દિવસ જુનાગઢ
12. બારમા દિવસે પ્રભાસ પાટણ-સોમનાથ