અમદાવાદ : આવતીકાલે ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રા શહેરમાં નીકળનાર છે ત્યારે ભગવાનના મોસાળ સરસપુરમાં રથયાત્રામાં આવનાર લાખો શ્રધ્ધાળુ ભકતો, સાધુ-સંતો સહિતના લોકોને જમાડવા માટેના વિશાળ ભઁંડારાની જબરદસ્ત તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને રથયાત્રાના દિવસે સરસપુરમાં નવથી વધુ પોળોમાં રથયાત્રામાં આવેલા લાખો લોકો, સાધુ-સંતો,મહંતો સહિત રથયાત્રિકોને જમાડવા માટેની રસોઇની તૈયારીઓ પૂરજાશમાં ચાલી રહી છે. આ તમામ પોળોના રસોડાઓ ધમધમી રહ્યા છે.
બીજીબાજુ, રથયાત્રા પહેલાં ગઇકાલે સરસપુરની વાસણશેરીમાં ભલાભગતના રણછોડજી મંદિર ખાતે હજારો સાધુ-સંતો માટે વિશાળ ભંડારનું આયોજન કરાયું હતું. જેમાં આગંતુક સાધુ-સંતોને પ્રેમ અને આદરપૂર્વક દાળ-ભાત, શાક, શીરો-પૂરી જમાડી તેઓને દાન-દક્ષિણા આપી તેઓનું સન્માન કરાયું હતું, આવતીકાલે પણ સાધુ-સંતો રણછોડજી મંદિર ખાતેના ભંડારમાં પ્રભુ પ્રસાદી આરોગી તૃપ્ત થશે. આ અંગે ભલાભગતના રણછોડજી મંદિરના મહારાજ લક્ષ્મણદાસજી અને જાગનાથ મહાદેવના ટ્રસ્ટી વિપુલભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રામાં ભાગ લેવા માટે અયોધ્યા, હરદ્વાર, ચિત્રકુટ, કાશી, મથુરા, વૃંદાવન, દ્વારકા-સોમનાથ, નાસિક સહિતના દેશના જુદા જુદા ખૂણાઓથી હજારો સાધુ-સંતો આવ્યા છે.
દોઢક હજારથી વધુ સાધુ-સંતો માટે સરસપુરની વાસણશેરીમાં ભલાભગતની પોળમાં રણછોડરાયજી મંદિર ખાતે સાધુ-સંતોના ખાસ ભંડારાનું આયોજન કરાયું હતું. સર્વે સાધુ-સંતોને ભારે પ્રેમ અને આદરપૂર્વક જમાડી તેઓને તેમની મહંતાઇ, અખાડા અને હોદ્દાની ગરિમા મુજબ દાન-દક્ષિણા આપી સન્માન કરાયું હતું. તેમણે ઉમેર્યું હતું કે, રથયાત્રાના દિવસે રથયાત્રામાં આવનાર શ્રધ્ધાળુ ભકતો, સાધુ-સંતો, મંહતો, સ્વયંસેવકો, રથયાત્રિકો સહિત સૌકોઇ માટે વર્ષોથી પરંપરા મુજબ, સરસપુરની નવથી વધુ પોળોમાં જમવાની વ્યવસ્થા કરાતી હોય છે. આ માટે હાલ આ તમામ પોળોમાં રસોઇ બનાવવાનો રસોડાનો ધમધમાટ પૂરજાશમાં છે. સૌથી મોટુ રસોડુ લવાર શેરી, વાસણ શેરીનું હોય છે.
આ સિવાય સાળવી વાડ, પડિયાની પોળ, ગાંધીની પોળ, લીમડા પોળ, પીપળા પોળ, આંબલી વાડ(પાંચા વાડ), કડિયાવાડ, તડિયાની પોળ, સ્વામિનારાયણ મંદિર-આંબેડકર હોલ સહિતની પોળોમાં નગરજનો માટે ભોજન-જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રથયાત્રિકો માટે ખાસ કરીને મહિલાઓ-બહેનો અને યુવતીઓ છેલ્લા એક સપ્તાહથી ભારે જહેમત ઉઠાવી રહી છે, તો પુરૂષવર્ગ તેમને આ સેવાકાર્યમાં જરૂરી મદદ પૂરી પાડી રહ્યો છે.