ચંદીગઢ : ડાન્સર સપના ચૌધરીના કોંગ્રેસમાં સામેલ થવાના અહેવાલ આવ્યાના કલાકો બાદ જ સપના ચૌધરીએ એકાએક યુ ટર્ન લઈને કોંગ્રેસમાં સામેલ થઈ હોવાનો ઈનકાર કર્યો હતો. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે તે કોઈ પાર્ટીમાં નથી. કોઈ પ્રચાર પણ કરનાર નથી. સપનાને લઈને રાજકીય ગરમી વધ્યા બાદ આજે બપોરે પત્રકાર પરિષદ યોજીને સપનાએ કહ્યું હતું કે તે કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ નથી. ભવિષ્યમાં કોઈ પાર્ટીમાં સામેલ થવાની યોજના પણ નથી. એક દિવસ પહેલા જ એવી ચર્ચા આવી હતી કે સપના ચૌધરી કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ ગઈ છે. મથુરા બેઠક પરથી કોંગ્રેસ પાર્ટી સપના ચૌધરીને હેમા માલિનીની સામે મેદાનમાં ઉતારી શકે છે. જાકે સપના ચૌધરીએ મોડેથી અહેવાલને રદિયો આપ્યો હતો.
જાકે કોંગ્રેસે મથુરામાંથી પહેલાથી જ અન્ય ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. સપના ચૌધરીએ આજે નિવેદન કરીને તમામને ચોંકાવ્યા હતા. પત્રકારોએ પ્રિયંકા ગાંધીની સાથે તેના ફોટાને લઈને પ્રશ્નો કરતા સપનાએ કહ્યું હતું કે આ ફોટો ખૂબ જુનો ફોટો છે. કોંગ્રેસની જગ્યાએ ભાજપમાં જવાના પ્રશ્ન ઉપર સપનાએ કહ્યું હતું કે તેઓ કોઈ પાર્ટીમાં સામેલ થનાર નથી.