લખનૌ : ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી મહાગઠબંધન પર હાલમાં બ્રેકની સ્થિતિ દેખાઈ રહી છે. સાથે સાથે આ મહાગઠબંધનના અંતના સંકેત પણ દેખાઈ રહ્યા છે. એકબાજુ બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવને સલાહ આપીને પેટાચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી છે. બીજી બાજુ અખિલેશ યાદવે પણ વર્તમાન સ્થિતિમાં ગઠબંધનના માર્ગ એક પ્રકારથી અલગ હોવાની બાબત પર મંજુરીની મહોર મારી દીધી છે. લોકસભાની ચૂંટણીમાં ગઠબંધનને અપેક્ષા મુજબ દેખાવ કરવામાં સફળતા મળી નથી. બહુજન સમાજ પાર્ટીને ૧૦ અને સમાજવાદી પાર્ટીને ૫ સીટો મળી હતી.
આ પહેલા બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ આજે પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, સમાજવાદી પાર્ટીના કોર વોટ ગણાતા યાદવ મતદારોએ પણ ગઠબંધનને મત આપ્યા નથી. યાદવ પ્રભુત્વવાળા વિસ્તારોમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારની હાર થઇ છે. મુલાયમ પરિવારના સભ્યોની હારનો દાખલો આપતા માયાવતીએ કહ્યું હતું કે, જ્યાં સુધી અખિલેશ યાદવ પોતાના કાર્યકરોને નિષ્ઠાવાન બનાવતા નથી ત્યાં સુધી ગઠબંધનના ભવિષ્યને લઇને કોઇ વાત કરવી સરળ રહેશે નહીં. ગાઝીપુરમાં સમાજવાદી પાર્ટીના કાર્યકરોને મળવા પહોંચેલા સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું હતું કે, તેમની પાર્ટી આને લઇને કોઇ વાંધો ધરાવતી નથી. સમાજવાદી પાર્ટી અને અખિલેશ યાદવના લોકો એકલા હાથે લડવાની તૈયારી કરી રહ્યા છે.
માયાવતીએ કહ્યું છે કે, સમાજવાદી પાર્ટી સાથે બ્રેકની સ્થિતિ કાયમી નથી. તેમણે કહ્યું હતું કે, ભવિષ્યમાં ફરી સાથે આવી શકે છે. ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ૧૧ બેઠકોની પેટાચૂંટણી હવે યોજાનાર છે. આ પેટાચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી એકલા હાથે લડવાનો નિર્ણય કરી ચુકી છે. હાલમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ૧૧ ધારાસભ્યોની ચૂંટણી લોકસભા માટે થઇ ચુકી છે જેથી ૧૧ બેઠકોની પેટાચૂંટણી હવે યોજાનાર છે. માયાવતી અને અખિલેશ માટે લોકસભાની ચૂંટણી ખુબ જ નિરાશાજનક પરિણામ લઇને આવી છે. માયાવતીએ કહ્યું છે કે, કન્નોજમાં ડિમ્પલ, બદાયુમાં ધર્મેન્દ્ર યાદવ અને ફિરોઝાબાદમાં અક્ષય યાદવની હાર અમને વિચારવા મજબૂર કરે છે. આ તમામની હારને લઇને અમે દુખી છે. સ્પષ્ટ છે કે, આ યાદવ બહુમતિવાળી સીટો ઉપર પણ યાદવ સમાજના લોકો સમાજવાદી પાર્ટીને મત આપીને આગળ આવ્યા નથી. સમાજવાદી પાર્ટીની વોટબેંક જા દૂર થઇ ગઇ છે તો તેનો ફાયદો બસપને થશે નહીં. માયાવતીએ કહ્યું હતું કે, અખિલેશ અને ડિમ્પલ તેમનું ખુબ સન્માન કરે છે. અમારા સંબંધો હમેશા માટેના છે પરંતુ રાજનીતિ અલગરીતે વિચારણા કરવાની ફરજ પાડે છે. લોકસભાની ચૂંટણીના પરિણામો જે આવ્યા છે તેનાથી દુખની સાથે કહેવું પડે છે કે, યાદવના મતદારો પણ ગઠબંધન માટે મત આપવા માટે આગળ આવ્યા નથી.
અમારી સમીક્ષામાં એવું જાણવા મળ્યું છે કે, બહુજન સમાજ પાર્ટી જે રીતે કેડર આધારિત પાર્ટી છે તેવી જ રીતે મોટા ઇરાદા સાથે સપા સાથે મળીને કામ કર્યું હતું પરંતુ મોટી સફળતા મળી નથી. સમાજવાદી પાર્ટીએ સારી તક ગુમાવી દીધી છે. આવી સ્થિતિમાં સમાજવાદી પાર્ટીને સુધાર કરવાની જરૂર છે. સમાજવાદી પાર્ટીને પણ ભાજપની જાતિવાદી અને સાંપ્રદાયિક અભિયાનની સામે મજબૂતી સાથે લડવાની જરૂર છે. માયાવતીએ એમ પણ કહ્યું હતું કે, યાદવ મતદારોએ પણ કેટલાક કારણોસર સમાજવાદી પાર્ટીના લોકોને મત આપ્યા નથી. યાદવ મતદારોએ વિશ્વાસઘાત કર્યો છે.